સોમવાર, 7 માર્ચ, 2016

પરીક્ષા પાથેય

Best of Luck
વાચકમિત્રો,

બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે, ખરું ને..... આ જ બાબતને અનુલક્ષીને બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ અને તેમના પેરેન્ટ્સને ઉપયોગી થાય તે હેતુ સાથે Best of Luck વિષય હેઠળ સરળ ભાષામાં પરીક્ષાને લગતી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આ સમગ્ર બાબત જણાવતાં પહેલાં વાલીમિત્રોને અરજ છે કે, તેઓ પોતે પણ સમજે અને પોતાના બાળકને પણ સમજાવે કે – “કોઈ પણ પરીક્ષા જિંદગીની આખરી પરીક્ષા હોતી નથી, આ પરીક્ષા પણ અન્ય પરીક્ષા જેવી જ છે અને તે પણ સારી રીતે પાર પડી જ જશે... ” આ પ્રકારનો આત્મવિશ્વાસ બાળકમાં ઉત્પન્ન કરશો અને વિદ્યાર્થીના સાચા માર્ગદર્શક કે પથદર્શક બનશો તેવી અપીલ છે....
〰〰〰〰〰〰〰〰〰〰
हर कामयाबी पर आपका नाम होगा,
आपके हर कदम पर दुनिया का सलाम होगा ।
मुश्किलों का सामना हिम्मत से करना,
उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा ।।
〰〰〰〰〰〰〰〰〰〰
વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો
〰〰〰〰〰〰〰〰〰〰
- ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો.
- મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો.
- આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે.
- વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો.
- આખું વર્ષ મહેનત કરી છે, તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો.
- અનેક પરીક્ષાઓ આપી છે, તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો. પરીક્ષા આપો હસતાં... હસતાં...
- છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો.
- ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો.
- શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો.
- પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો, જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે.
- રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં.
- પરીક્ષામાં મોડા ન પડાય, માંદા ન પડાય, રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો.
- ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષા અગાઉ
〰〰〰〰〰〰〰〰〰〰
- ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો.
- નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.
- પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો.
- મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો.
- રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.
- સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.
- દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચોં અને 10 મિનિટનો બ્રેક લો.
- પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બૅક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.
- નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું પુનરાવર્તન કરો.
- મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે.
- પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષાના દિવસે...
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં.
- પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે.
- પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ, પેન, પેન્સિલ, રબર, સ્કૅલ, પારદર્શક પૅડ, પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં.
- રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે.
〰〰〰〰〰〰〰〰〰〰
વર્ગખંડમાં રાખવાની કાળજી
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળ અને વર્ગખંડની રૂબરૂ મુલાકાત લો, જેથી પરીક્ષાના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દોડા દોડ ન થાય.
- પરીક્ષા ખંડમાં જતાં પહેલાં વૉશરૂમ જઈ આવવું, જેથી પરીક્ષા વખતે ખોટી દોડા-દોડ ન થાય.
- પરીક્ષા આપતાં પહેલાં તમારી બેઠકની આજુ બાજુમાં કોઈપણ પ્રકારના પેપરના ટુકડા કે બૅન્ચ પર કોઈ પણ પ્રકારની લખાણ લખેલું નથી તે ચકાસી લેવું. આ પ્રકારની પરિસ્થિતિમાં તમે સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી કરી શકો છો.
- પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં.
- ઉત્તરવહીના મુખ્ય પાના પરની તેમજ OMR જવાબપત્ર પરની માહિતી ખૂબ જ કાળજી અને ચિવટપૂર્વક ભરો. તેમાં ભૂલ ન થાય કે ચેક-ચાક ન થાય તે બાબતે ચોક્કસ રહો.
- પરીક્ષા દરમિયાન ખૂબ જ વિનમ્ર રહો. સુપરવાઈઝર અને અન્ય સ્ટાફ મિત્રો સાથે નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરો.
- ચાલુ પરિક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તુરંત જ સુપરવાઈઝરશ્રીને નિઃસંકોચપણે જણાવો.
- બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવા બાબતે ચોક્કસ રહો.
- વૉર્નીંગ બૅલ પહેલાં પ્રશ્નપત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદના સમયમાં સપ્લીમેન્ટરી બાંધી, ઉત્તરવહી પરની વિગતો, લીધેલ સપ્લીમેન્ટરી સાથેનું ટોટલ, તમામ પ્ર.  લખાઈ ગયા છે કે કેમ તે ચકાસી લો.
〰〰〰〰〰〰〰〰〰〰
પ્રશ્નપત્ર લખતી વખતે...
〰〰〰〰〰〰〰〰〰〰
- ઉત્તરવહીમાં માત્ર બ્લૂ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય.
- પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાં ઉત્તરવહી પરની તમામ વિગતો ભરવાનું કાર્ય પૂર્ણ કરો.
- પ્રશ્નપત્ર જોઈને ગભરાઈ ન જવા. પ્રશ્નોની ભાષા બદલી હોઈ શકે, ધીરજપૂર્વક પ્રશ્ન વાંચો અને આવતા પ્રશ્નને સૌ પ્રથમ લખો.
- પ્રશ્નપત્ર એક વાર વાંચી લો અને આવડતા પ્રશ્નના જવાબો પહેલાં લખો. જવાબ લખવામાં ટાઈમ લિમીટ બાંધો.
- પ્રશ્નને યોગ્ય રીતે વાંચો અને તેને અનુરૂપ મુદ્દાસર જવાબ આપો. બિનજરૂરી અને યોગ્ય ન હોય તેવું લખાણ લખી ખોટા પાના ન ભરશો.
- ઉત્તરવહીમાં યોગ્ય હાંસીયો છોડીને લખવાનું રાખો.
- સવાલનો બરાબર સમજો, વિચારો અને ત્યાર બાદ મુદ્દાસર લખવાનું શરૂ કરો.
- અઘરો લાગતો તેમજ ના આવડતા પ્રશ્નોના પણ જવાબ લખવા જોઈએ. કોઈ પણ સવાલ છોડવા ન જોઈએ. એક વાર લખવાનું શરૂ કરશો એટલે બધું યાદી આવવા લાગશે.
- સ્વચ્છતા જાળવો. બિનજરૂરી ચેકચાક ન કરો.
〰〰〰〰〰〰〰〰〰〰
પેરેન્ટ્સ જરા સંભાલ કે ...
〰〰〰〰〰〰〰〰〰〰
- તમારા બાળકને વાંચવા માટે યોગ્ય જગ્યા, એકાંત, શાંતિવાળું વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરો.
- સંબંધીઓ શુભેચ્છાઓ આપવા જઈને વિદ્યાર્થીનો સમય ન બગાડે તેની કાળજી રાખો.
- વધુ પડતી અપેક્ષાઓનું બિનજરૂરી ભારણ બાળક પર નાખશો નહીં.
- તમારા બાળકની ક્ષમતા તમે જાણો છે, તેથી વધુ આશા ન રાખો.
- બાળકને વારંવાર ટોક-ટોક ન કરો.
- નેગેટિવ બાબતો વારંવાર કહી તેને માનસિક ત્રાસ ન આપો.
- બાળકને ખોટા પ્રશરાઈઝ ના કરો.
- તેના માર્ગદર્શક બનો, મિત્ર બનો.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષા પછીનો ઍક્શન પ્લાન
〰〰〰〰〰〰〰〰〰〰
- ધો. 10 ના વિદ્યાર્થીઓએ વાલી સાથે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ લેવા બાબતે નિખાલસ ચર્ચા કરવી જોઈએ.
- ધો. 12 ના વિદ્યાર્થીઓએ ત્યાર બાદ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે વિચારવું જોઈએ.
- વૅકેશનનો દુરુપયોગ ન કરતાં કમ્પ્યૂટર, અંગ્રેજી, અક્ષર સુધારણા પ્રકારના કોર્ષ કરી આત્મવિકાસ કરવો.
- વર્તમાનપત્રમાં આવતાં શૈક્ષણિક સમાચારો નિયમિત રીતે વાંચવા જોઈએ.
- જે તે અભ્યાસક્રમ બાબતે તેની માન્યતા પ્રાપ્ત વેબસાઈટ પરથી માહિતી મેળવો.
- જો લાગુ પડતું હોય તો શિષ્યવૃત્તિ અંગેની વિવિધ જાહેરાતો અને વેબસાઈટનો ઉપયોગ કરો.
- કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં હાલની પરિસ્થિતિની સાથે તે કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સ્થિતિ કેવી હશે તેને અનુરૂપ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
- તમારા અન્ય મિત્રોનું આંધળું અનુકરણ ન કરતાં પોતાની ક્ષમતાને આધારે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
સર્વે પરીક્ષાર્થી મિત્રોને પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી શકો તે માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ....
દશૅન પટેલ શ્રી ગઢડીયા પ્રાથમિક શાળા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો