બુધવાર, 11 જાન્યુઆરી, 2017

સ્વામી વિવેકાનંદ ના પ્રેરક પ્રસંગો


(1)   ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે.

વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’

શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’

‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’

શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’

વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’.

હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’

શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.’


(2)   એકવખત સ્વામી વિવેકાનંદ મુંબઇ-પુના રેલવેમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ વખતે ડબામાં હાજર રહેલ એક અંગ્રેજ વિવેકાનંદ સાંભળે તેમ બોલતો હતોઃ હવે તો બાવાઓ પણ પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે, વગેરે વગેરે.
વચ્ચે લોનાવાલા સ્ટેશન આવતાં વિવેકાનંદને મળવા આવનાર એક ગૃહસ્થ સાથે પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં વાત કરતાં જોઇને પેલાં મુસાફરની આંખો ઉઘડી અને તેણે વિવેકાનંદની માફી માંગી.
તેમણે કહ્યું, ‘મને ખોટુ લાગ્યું નથી, કેમ કે દરેક માણસ સામા માણસની પરીક્ષા પોતાની બુધ્ધિ અનુસાર કરતો હોય છે.’

(3)    ... મરદ થાજે .....
નરેન્દ્રનાથમાં નેતૃત્વ જન્મજાત હતું અને નેતૃત્વ એટલે ત્યાગ। એ છ વર્ષ ના હતા ત્યારે એક દિવસ કોઈ નાના કુટુંબ ની સાથે આનંદ ના મેળામાં ગયા, ત્યાં શિવ ની પૂજા થાય છે,
ઉજાસ ઓછો થયે એ બે છોકરાઓ ઘેર પાછા વળતા હતા ત્યારે ટોળામાં બંને છુટા પડી ગયા , એ વેળા ખુબ જડપથી દોડતી એક ગાડી આવી રહી હતી, નરેનને હતું કે પેલો છોકરો પોતાની પાછળ છે એટલે ગાડીનો અવાજ સાંભળી એમણે પોતાની પાછળ નજર કરી, પેલો છોકરો રસ્તાની બરાબર વચે ભયથી ખોડાઈ રહ્યો હતો। આ જોઈ નરેન્દ્ર ઘભરાયા અને તે દોડ્યા અને તેને જમના હાથેથી તેને પકડી લગભગ ઘોડાની ખરી નીચેથી તેને ખેંચી પાડયો , આજુબાજુના લોકો આથી આશ્ચર્ય ચકિત થઇ ગયા , કોઈએ નરેનને થાબડ્યો તો કોઈએ આશીર્વાદ આપ્યા, ઘેર પહોચ્યા પછી એના માએ આ વાત સાંભળી ત્યારે એમની આંખમાં આસું આવી ગયા અને બોલ્યા : મરદ થાજે ,, મારા બેટા !!!.....

3 ટિપ્પણીઓ: