''જય જય જોગમાયા ખોડિયાર
આદ્યશક્તિનો તું અવતાર...
ભક્તજનો સૌ કરે પુકાર
સહાય કરો ને મા ખોડિયાર''
ભાવનગર પંથકમાં બોટાડ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું પ્રાગટય સ્થાનક છે. વિક્રમ સંવત ૮૩૬ની આસપાસ મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો પ્રાગટય દિવસ છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. મામડિયા ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયાપણુ દૂર કર્યું હતું. સાત બહેનો અને એક ભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાની બેન એ જ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ નાનકડા ગામમાં દર વર્ષે ખોડિયાર જયંતિ ઉજવાય છે.
વલ્લભીપુર (ભાવનગર)માં મૈત્રેય વંશના શીલાદિત્ય રાજા સંગિત, સાહિત્ય, કળા કારીગરીના ઉપાસક હતા. તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ, ગઢવી જેવા અનેક કલાકારને પ્રથમ ઉચ્ચ સ્થાન મળતું હતું. મામડિયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિના ચાલનાર નેક ઈમાનદાર હતા. તે મહાદેવના પરમ ઉપાશક હતા. આવા સદ્ગુણાના સંબંધે રાજા શીલાદિત્યના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું. તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા. રાજ દરબારમાં કોઈકે રાજા શીલાદિત્યને કહ્યું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે. ''મામડિયો ચારણ વાંઝિયો છે.'' આ જાણીને ધીમે ધીમે મામડિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો. એક દિવસ મામડિયાએ પૂછયું. રાજા સાહેબ મારા પ્રત્યે આપ ઉદાસ લાગો છો. મનદુ:ખ થયું લાગે છે? રાજાએ કહ્યું ''તું વાંઝિયો છે''. વાંઝિયાનું મોં જોવાથી કામમાં વિલંબ કે વિઘ્ન આવે છે. એમ શાસ્ત્રો કહે છે. મામડિયો નિરાસ થઈ ઘેર આવ્યો. પત્ની દેવળબાને વાત કરી. બંનેને દુ:ખ થયું. તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી. અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ આપો નહિ તો કમળ પૂજા કરીશ. મામડિયાએ અન્ન જળનો ત્યાગ કર્યો. આઠ દિવસ પછી પ્રસન્ન થયેલા મહાદેવે વરદાન આપ્યું કે તેં આઠ દિવસ સુધી આકરું તપ કર્યું છે તો હું તને આઠ સંતાનો આપું છું. સાત દીકરી અને એક દીકરો. સાત દીકરીઓ જોગમાયા ગણાશે. તેમાં સૌથી નાની દીકરી મહાશક્તિનો અવતાર હશે. તે દુનિયાના તમામ દુ:ખો મટાડશે. હે મામડિયા ચારણ તું ઘેર જા અને આઠ પારણા બંધાવજે.
મહાદેવની કૃપાથી મામડિયાને ઘેર સાત દીકરીએ અવતાર લીધો. આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ (ખોડિયાર) - દીકરાનું નામ મેરખિયો રાખ્યું. ખોડિયાર મા પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયાં. નાનપણથી જ તેમણે અનેક દુખીયોના દુ:ખો મટાડયા. અનેક પરચાઓ પૂર્યા.
એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંસ દીધો હતો. આ ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય. ભાઈ સાજો થઈ જાય. માતા ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું. તેમને મગરે મદદ કરી હતી. અમરકૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતાં કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા. આ જોઈ બધી જ બેનો કહેવા લાગી કે આ ખોડી આવી. ત્યારથી ખોડિયાર નામ પડયું કહેવાય છે. અમરકૂપાના અમૃતથી મેરખિયાનું ઝેર ઉતરી ગયું. આ પ્રમાણે મા ખોડિયારે અનેકના દુ:ખો દૂર કર્યા હતા.
ભાવનગર નરેશે માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિ આગ્રહને વશ થઈ માતાજીએ આવવા હા પાડી પરંતુ શરત કરી કે રાજન હું તારી સાથે તારા સ્થાને આવીશ. ત્યારે આગળ ચાલવાનું હું તારી પાછળ ચાલતી આવીશ. જો તું પાછળ ફરીને જોઈશ ત્યાંથી હું આગળ નહિ આવું. તે જ મારું સ્થાનક હશે. આ શરત રાજાએ માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યાં છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતાં નથી. એટલે રાજાએ પાછળ ફરીને જોયું. ખોડિયાર મા ત્યાં જ ઉભા થઈ ગયા અને રાજાને કહ્યું કે હે રાજા તેં શરતનો ભંગ કર્યો છે. હવે હું અહિંથી આગળ નહિ આવું. અહિંયા જ રહીશ. આ જ મારું સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે. આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરા અને સિહોરમાં આજે પણ મા જોગમાયા ખોડિયાર સાક્ષાત્ દર્શન દેતા મૂર્તિ સ્વરૃપે બિરાજમાન છે. તાતણીયાધરાવાળી, માતેલધરાવાળી અને ગળધરાવાળી મા આદ્યશક્તિ જોગમાયા મા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત્ પરચાધારી મા છે.
દુખિયાનાં દુખો મટાડી, રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પુરુ થતાં મા જોગમાયા ખોડિયારે પોતાની લીલા સંકેલી લીધી. રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકાનું સાંગણવા ગામના પાદરે મા ખોડિયારનું સમાધિસ્થાન છે. ગામમાં આવેલ પ્રાચિન દરવાજા પાસે મા ખોડિયારનો પાળિયો છે. રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે મા ખોડિયારનું વિશાળ મંદિર આકાર લઈ રહ્યું છે. આદ્ય શક્તિ, જોગમાયા, પરચાધારી મા ખોડિયાર ખરેખર સૌની મનોકામના પુરી કરનારી દયાળ