બુધવાર, 11 જાન્યુઆરી, 2017

સ્વામી વિવેકાનંદ વિશ્ર્વ ધમૅ પરીષદ


સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા. એમની જ શિક્ષાથી સંન્યાસ આશ્રમમાં પ્રવિષ્ટ થયા અને વિવેકાનન્દ નામથી દેશ-વિદેશમાં વિખ્યાત થયા.

સ્વામીજી ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા નહીં માગતા હતા. તેઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ કાંઈ પણ થાય પણ પાછળ ફરીને નહીં જોઇ. (એટલે કે નિશ્ચયમાં અડગ રહે), અને કોઈની સામે ભોજન માટે હાથ નહીં લંબાવે. જ્યારે કોઈ સ્વયં બોલાવીને ભોજન આપશે તો જ ભોજન ગ્રહણ કરીશ. આ કઠિન વ્રતનું પરિણામ એવું પણ આવ્યું કે કેટલીક વાર તો કેટલાય દિવસો સુધી ભોજન વિના જ વિતાવવા પડતા.

એક દિવસ સાંજે સ્વામીજી એક ઘોડાના તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. સ્વામીજી એ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો નહીં હતો. ચહેરા ઉપર ભૂખની રેખાઓ સ્પષ્ટ ઉભરાયેલી હતી. ત્યાં ઊભેલા વ્યક્તિએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું - "સાધુ બાબા ! આજે ભોજન નહીં મળ્યું શું?" સ્વામીજી એ સરળતાથી ઉત્તર આપ્યો - "હા ભાઇ, પાછલા બે દિવસોથી મેં કઈ નથી ખાધુ."

ત્યારે તે વ્યક્તિ સ્વામીજીને પોતાની સાથે અંદર લઈ ગયો. ત્યાં તેણે પોતાના માટે બનાવેલી સૂકી રોટલીઓ શ્રદ્ધાથી પરોસી. સાથે મરચાંની ચટણી પણ આપી. બે દિવસ ભૂખ્યાં રહેવા બાદ સૂકી રોટલીઓ પણ ઘણી સ્વાદિષ્ટ લાગી. તે વ્યક્તિએ સૂકા ભોજન અને મરચાંની જલન શાંત કરવા માટે તડબૂચ અને તેનું પાણી ભેટ કર્યું. સ્વામીજી તૃપ્ત થઈ ગયા. આજ પ્રકારે સ્વામીજી મહારાષ્ટ્ર, ગુજરાત, મૈસૂર વગેરે પ્રદેશોની યાત્રા કરતા-કરતા મદ્રાસ પહોંચ્યા.

આ દિવસોમાં અમેરિકાના શિકાગો નગરમાં "વિશ્વ ધર્મ સંમેલન" ની ઘોષણા થઈ. જે સંમેલન ઈસાઈ પાદરિઓ તરફથી પ્રયોજિત હતું. વિશ્વના મુખ્ય ધર્મોના પ્રતિનિધિઓ પોત-પોતાના ધર્મનું સ્વરૂપ બતાવવા એકત્ર થવા માંડ્યા હતા. સ્વામીજી ત્યાં હિંદુ ધર્મના સિદ્ધાંતોને પાશ્ચાત્ય જગતની સમ્મુખ રાખવા માટે તેમના શિષ્યોના આગ્રહથી જવાનું સ્વીકાર કર્યું. ૩૧ મે, ૧૮૯૩ ના દિને તેઓ અમેરિકા જવા રવાના થયા.

શિકાગો જઈને સ્વાજીએ અનેક પ્રકારની કઠિનતાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેનાથી સ્વામીજી જરાયે વિચલિત થયા નહીં. તેમને ત્યાં કોઈનો પરિચય નહીં હતો. તો પણ તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે સંમેલન પ્રારંભ થવામાં હજી બે-ત્રણ મહિનાની વાર હતી. ત્રીજી કઠિનતા એ હતી કે સંસ્થાના પ્રતિનિધિ જ સંમેલનમાં ભાગ લઈ શકતા હતા. સ્વામીજી તો ત્યાં કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે નહીં ગયા હતા. વળી સ્વામીજી પોતાના ખર્ચ માટે જે રાશી લઇ ગયા હતા, તે પણ સમાપ્ત થવા આવી હતી. ખર્ચને ઓછામાં ઓછો કરવા માટે સ્વામીજીએ શિકાગો નગરની બહાર કોઈ ઉપનગરમાં રહેવાનો નિશ્ચય કર્યો.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે દૃઢ સંકલ્પ કરી લે છે, ત્યારે પ્રભુ તરફથી સહાયતાના સાધન પણ આપોઆપ મળી જાય છે. વળી સ્વામીજી તો કટ્ટર પ્રભુ ભક્ત અને હઠ નિશ્ચયી હતા. એમના ભવ્ય સ્વરૂપ અને પ્રશાંત વ્યવહારને જોઇને એક સજ્જન પ્રભાવિત થયો અને તે સ્વામીજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તેણે સ્વામીજી સાથે હાવર્ડ વિશ્વવિદ્યાલયના એક પ્રાધ્યાપકની ભેટ કરાવી. (જે પ્રાધ્યાપક સંમેલનના પ્રમુખ અધિકારી હતા.) એ પ્રાધ્યાપકે વિશ્વાસ આપ્યો કે સંમેલનમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે તેમને ભાગ લેવા અને ભાષણ આપવાની અનુમતિ અપાવી દેશે.

હવે પ્રશ્ન અર્થ કષ્ટનો હતો. શિકાગો નગરના એક હોટલમાં તેઓ થોડા સમય માટે રોકાવા ગયા. પરંતુ ત્યાં તેમને જગા નહીં મળી અને હોટલના માલિકે તેમનો તિરસ્કાર કરી હોટલમાંથી બહાર કાઠી નાંખ્યાં. બર્ફીલી રાત હતી. રોકાવા માટે કોઈ જગા નહીં મળવાથી તેઓ રેલવે સ્ટેશન ગયા અને ત્યાં બેંચ પર જ આખી રાત પસાર કરી.

બીજા દિવસે સવારે રસ્તાના કિનારે ભૂખ્યા-પ્યાસા સ્વામીજી બેઠા હતા. વ્યાકુળ હતા, પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા અને હિંમત નહીં હારી. ફરી પ્રભુએ કૃપા કરી. સામેના મકાનમાંથી એક મહિલાએ તેમને જોયા. તેણી સ્વામીજીની શાંત મુદ્રા અને ભવ્ય આકૃતિથી પ્રભાવિત થઈ. તેણીએ સ્વામીજીને બોલાવ્યા અને આખું વૃતાંત સાંભળ્યું. આવા શ્રેષ્ઠ કાર્યમાં સહયોગ આપવાની ભાવનાથી એ મહિલાએ સ્વામીજીના નિવાસ આદિનો પ્રબંધ કરી આપ્યો.

સંમેલન પ્રારંભ થયું. હાવર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકના પ્રયાસથી સ્વામીજીને કેવળ પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. ભાષણનો પ્રારંભ સ્વામીજીએ "મારા ભાઇઓ તથા બહેનો" એવાં એકદમ નવા અને અનોખા સંબોધનથી કર્યું ત્યારે આખો સભા સ્થળ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. "Ladies and Gentlemen" સાંભળવાવાળી અમેરિકી જનતા પ્રતિ ભાઇ-બહેનનો પવિત્ર સંબંધ પેદા કરવાવાળા આ ભારતીય સંન્યાસીની ધ્વનિ આખા દેશમાં ગાજી ઊઠી. પાંચ મિનિટની જગ્યાએ એ દિવસ  દિવસે જનતાના પ્રબળ આગ્રહથી એક કલાકનો સમય આપવામાં આવ્યો. હવે તો સંમેલનમાં અને સંમેલનની બહાર સ્વામીજીના વ્યાખ્યાનોની ધૂમ મચી ગઈ. હિંદુ ધર્મની આ યુક્તિયુક્ત અને સુંદર વ્યાખ્યાથી અમેરિકી જનતાનો મંચ મુગ્ધ થઈ ગયો.

સ્વામીજી બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં હિંદુ ધર્મના સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા.

સ્વામી વિવેકાનન્દજી જ્યારે પાછા આવ્યા, ત્યારે કલકત્તામાં જનતાએ ઘણા ઉત્સાહ અને જોશથી તેમનું સ્વાગત કર્યું. સ્વામીજીએ એ સભામાં આ ચિરસ્મરણીય શબ્દો કહ્યા - "मेने मोक्ष की प्राप्ति के लिये संन्यास नहीं लिया किन्तु मानव सेवा के लिये ही इसे ग्रहण किया है।"

સ્વામી વિવેકાનંદ ના પ્રેરક પ્રસંગો


(1)   ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે.

વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’

શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’

‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’

શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’

વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’.

હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’

શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.’


(2)   એકવખત સ્વામી વિવેકાનંદ મુંબઇ-પુના રેલવેમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ વખતે ડબામાં હાજર રહેલ એક અંગ્રેજ વિવેકાનંદ સાંભળે તેમ બોલતો હતોઃ હવે તો બાવાઓ પણ પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે, વગેરે વગેરે.
વચ્ચે લોનાવાલા સ્ટેશન આવતાં વિવેકાનંદને મળવા આવનાર એક ગૃહસ્થ સાથે પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં વાત કરતાં જોઇને પેલાં મુસાફરની આંખો ઉઘડી અને તેણે વિવેકાનંદની માફી માંગી.
તેમણે કહ્યું, ‘મને ખોટુ લાગ્યું નથી, કેમ કે દરેક માણસ સામા માણસની પરીક્ષા પોતાની બુધ્ધિ અનુસાર કરતો હોય છે.’

(3)    ... મરદ થાજે .....
નરેન્દ્રનાથમાં નેતૃત્વ જન્મજાત હતું અને નેતૃત્વ એટલે ત્યાગ। એ છ વર્ષ ના હતા ત્યારે એક દિવસ કોઈ નાના કુટુંબ ની સાથે આનંદ ના મેળામાં ગયા, ત્યાં શિવ ની પૂજા થાય છે,
ઉજાસ ઓછો થયે એ બે છોકરાઓ ઘેર પાછા વળતા હતા ત્યારે ટોળામાં બંને છુટા પડી ગયા , એ વેળા ખુબ જડપથી દોડતી એક ગાડી આવી રહી હતી, નરેનને હતું કે પેલો છોકરો પોતાની પાછળ છે એટલે ગાડીનો અવાજ સાંભળી એમણે પોતાની પાછળ નજર કરી, પેલો છોકરો રસ્તાની બરાબર વચે ભયથી ખોડાઈ રહ્યો હતો। આ જોઈ નરેન્દ્ર ઘભરાયા અને તે દોડ્યા અને તેને જમના હાથેથી તેને પકડી લગભગ ઘોડાની ખરી નીચેથી તેને ખેંચી પાડયો , આજુબાજુના લોકો આથી આશ્ચર્ય ચકિત થઇ ગયા , કોઈએ નરેનને થાબડ્યો તો કોઈએ આશીર્વાદ આપ્યા, ઘેર પહોચ્યા પછી એના માએ આ વાત સાંભળી ત્યારે એમની આંખમાં આસું આવી ગયા અને બોલ્યા : મરદ થાજે ,, મારા બેટા !!!.....

12મી જાન્યુઆરી, યુવા દિવસ


“ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

સ્વામી વિવેકાનંદ  

૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ  જન્મ જયંતીનો દિવસ.

૧૨ મી જાન્યુઆરી ,૧૮૬૩ નાં રોજ કલકત્તામાં એમનો જન્મ અને ૪થી જુલાઈ ,૧૯૦૨ ના રોજ બેલુર મઠ ખાતે એમણે સમાધી લઈને દેહ ત્યાગ કર્યો.

માત્ર ૩૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા પરંતુ એ ટૂંકા સમય ગાળામાં હિંદુ ધર્મ ,સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામીજી ગયા ! આ એક મોટું આશ્ચર્ય છે !

આત્મ વિશ્વાસ,જ્ઞાન અને વેધક વાણી થકી વિવેકાનંદે,

ધર્મ પરિષદ ગજાવીને ઘેલું કર્યું અમેરિકા અને વિશ્વને.

હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવ્યો જગમાં આ સ્વામીજીએ,

ટૂંકા જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા.  

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો.

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી..

નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાંવેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.