શનિવાર, 3 સપ્ટેમ્બર, 2016

શિષ્યની કર્તવ્યનિષ્ઠા


એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.’ સિકંદરના આ ઉત્તરથી ગુરુ એરિસ્ટોટલ અત્યંત પ્રભાવિત થયા.

ગીતાના રચયિતા અને એક યુગ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુરુ સાંદીપનીની આજ્ઞાને માનીને શિષ્ય કૃષ્ણે પાતાળમાં જઈને ગુરુપુત્રને લઇ આવ્યા .

એક એવો શિષ્ય એકલવ્ય કે, જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગુઠો કાપીને અપર્ણ કરી દીધો.

તેમજ એક ઉદ્દાત શિષ્ય આરુણિએ પોતાના ગુરુની આજ્ઞાને સર્વસ્વ માનીને આશ્રમની પાળ તૂટી જતા પાણીને રોકવા પોતે જ ત્યાં સુઈ ગયો. અને પોતાના શરીરની પરવા કર્યા વિના ગુરુની આજ્ઞાને જ સર્વસ્વ માની ઉમદા શિષ્યનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.

આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

આ મહાન ગુરુ-શિષ્યો છે સાંદપિની અને ભગવાન શ્રીકૃષ્ણ, દ્રોણાચાર્ય-અર્જુન, અતિ વિદ્વાન ચાણકય-ચંદ્રગુપ્ત. સાંદિપની, દ્રોણાચાર્ય અને ચાણક્યે તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ.

” શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે,

જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.”

_સુફિન

શિક્ષક દિનના પ્રણેતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન :


પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષક સમુદાયને જે સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે તે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 – 9 – 1888 ના રોજ મદ્રાસના તિરૂતુનિ નગરમાં થયો હતો. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો. એક સારા વ્યાખ્યાકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. આથી ઈંગ્લેંડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતા. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતા, તેમણે ‘ઇન્ડિયન ફિલોસોફી’, ‘પ્રિન્સિપલ ઉપનિષદ’, ‘ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન’, ‘હિંદુ વ્યુ ઓફ લાઈફ’ જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. ત્યારબાદ તો રશિયા ખાતે ભારતના એલચી તરીકે ફરજ બજાવતા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. ‘ભારત રત્ન’ નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું ‘ટેમ્પલટન પારિતોષિક’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા.

ડો. રાધાકૃષ્ણન માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઈએ. તેમાં ફક્ત બૌદ્ધિક તાલીમ જ નહિ, હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઈએ. સત્ય વિચાર અને પ્રેમાળ જીવન એ શિક્ષણનો માનવીય અંશ છે. તેમના મતે માનવ નિર્માણકારી શિક્ષણમાં સંસ્કૃતિની ભૂમિકા ઘણી મહત્વની છે. અને સંસ્કૃતિ એટલે મનુષ્યમાં રહેલા પશુને વશમાં કરતા જવાની પ્રાગતિક પ્રક્રિયા. તેમના જીવનનું ઉદ્દેશ્ય આ પંક્તિમાં ચરિતાર્થ થતું દેખાય છે :

” વાવવાં છે બીજ મારે બાળકોના દિલ મહી

વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !

જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર

શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી ! “

આપણે જાણીએ છીએ કે તેમનો જન્મદિવસ ઈ.સ. 1964 થી ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવાય છે. તેમના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણસંસ્થામાં થાય છે. શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડો. રાધાકૃષ્ણનના જીવનકર્મનું કેન્દ્રબિંદુ છે. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી ‘ભારતના પ્લેટો’ કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી ૧૫થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા.

૧૯૬૨માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી. ૧૯૬૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. ૧૯૭૫ની સોળમી એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા_” Our Slogan should not be Power at any Price : but Service at any Cost .” અર્થાત ” કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા.” આ સંદેશ ભારતના વર્તમાન રાજકારણીઓને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને ‘આચાર્ય દેવો ભવ’ કહીને નમ્ર અંજલી અર્પીએ.

શિક્ષક દિન – ૫ મી સપ્ટેમ્બર


” જગ છે એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરીક્ષણ,

ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું, જેનો છું શિક્ષક.”

૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’. તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશો.

આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી.

” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.

જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”

‘ Good teachers Think before they act, Think while they act, Think after they act.’

(સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)

દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે.

“આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, મન ની સુષુપ્ત શક્તિઓ જાગે, જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવી ને તેને પોતાના પગ પર ઉભો કરી શકે.”

– સ્વામી વિવેકાનંદ



શિક્ષકદિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને ‘ શ્રેષ્ઠ શિક્ષક ‘ નો એવોર્ડ આપવામાં આવે છે . તેમજ દરેક શાળા અને સરકારી કાર્યાલયોમાં શિક્ષકો માટેનો ફાળો ઉઘરાવવામાં આવે છે. જેનાથી જરૂરિયાતમંદ શિક્ષકની સહાય કરવામાં આવે છે.

આ દિવસે દરેક શાળાઓમાં ‘સ્વયં શિક્ષકદિન’ ની ઊજવણી કરવામાં આવે છે . જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે . તેમજ શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે. આમ સંસ્કૃતિના સંસ્કાર આપતા શિક્ષકનું ગરવુ પર્વ એટલે ‘શિક્ષક દિન’. આવા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ જોઇને કહી શકાય_

” નથી થયા સપના સાકાર, લઇ રહ્યા છે હજી આકાર,

જોઈ લો આ બુંદને, અહી જ લેશે સમુદ્ર આકાર.”

વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા એ ખૂબ જ મહત્વનું કાર્ય છે, કારણ કે તેની એક એક પળ વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકના હાથમાં રહેલું છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીના ઉમદા ભવિષ્યનો પ્રણેતા બની શકે છે. તેના જીવનનું ધ્યેય અને ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે.

” અહી વર્ગખંડોમાં હું જે શૈક્ષણિક કાર્ય કારી રહી છું તે

નોબેલ પારિતોષિકથી લેશમાત્ર ઓછા મહત્વનું નથી.”

_ટોની મોરિસન



સંવત્સરી


સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે.
ભાદ્રપદ મહિનાની ઊજળી ચોથે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સંવત્સરી મહાપર્વ આરાધે છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. એ દિવસ ફાઇનલ મેચ જેવો ગણાય છે. એની પૂર્વતૈયારી-નેટપ્રેક્ટિસ જેવા શરૂના સાત દિવસો ગણાય છે.
વિશ્વના ધર્મોમાં પોતાના અહિંસા, સંયમ, તપ, વિશિષ્ટ કોટિના સિદ્ધાંતો અને એના આચરણના વ્યવહારુ સ્વરૂપ દ્વારા જૈન ધર્મ આગવું સ્થાન ધરાવે છે. આજની સમગ્ર દુનિયામાં માંડ એક કરોડ જેટલીય જનસંખ્યા નહીં ધરાવતા જૈનધર્મીઓ પણ પર્વો અને મહાપર્વો ઊજવતા હોય છે. પર્યુષણ મહાપર્વ પણ એમાંનું જ એક મહાપર્વ છે. પર્યુષણ મહાપર્વ ભારતીય પરંપરાના ભાદ્રપદ મહિનામાં આવતું હોય છે.
જૈન સાધુ, સાધ્વીજી વરસાદના ચારે ચાર મહિના એક જ સ્થાને અવસ્થાન (નિવાસ) કરીને રહે છે. એ વરસાદના દિવસોમાં સવિશેષ જીવોત્પત્તિ અને જીવનાશ થવાની સંભાવના હોવાથી સ્વયં ગ્રહણ કરેલા સૂક્ષ્મ અહિંસા મહાવ્રતના પાલનને ધક્કો ન પહોંચે એવા આશયથી તેઓ અન્યત્ર ગમનાગમન નથી કરતા. એમના આ રીતના એક સ્થાને કરાતા અવસ્થાનને જ સામાન્યજનો ચાતુમૉસ અગર તો વર્ષાવાસ તરીકે સંબોધે છે, જ્યારે જૈન આગમાદિ ધર્મગ્રંથો એને જ ‘પર્યુષણા’ના નામે સંબોધિત કરે છે.
ભાદ્રપદ મહિનાની ઊજળી ચોથે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સંવત્સરી મહાપર્વ આરાધે છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. એ દિવસ ફાઇનલ મેચ જેવો ગણાય છે. એની પૂર્વતૈયારી-નેટપ્રેક્ટિસ જેવા શરૂના સાત દિવસો ગણાય છે.
આમ કુલ આઠ દિવસ સુધી વિવિધ પ્રકારનાં તપ, જપ, જ્ઞાન, ધ્યાન, પ્રવચન-શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, દેવ-ગુરુ અને સંઘભક્તિ, ધાર્મિક ક્ષેત્રોની પુષ્ટિ, તે તે ધાર્મિક-ખાતાઓમાં વિપુલ દાન, બ્રહ્નચર્યનું શુદ્ધ પાલન, એક દિવસથી લઇ મહિના માસના કે તેથીય ઉપરના નિરંકારી તપનું આસેવન, ભક્તિભાવના....આવા વિવિધ અનુષ્ઠાનોથી આ મહાપર્વ આરાધાય છે.
સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે. આ દિવસ આવે તે સાધકને રેડલાઇટ બતાવે છે કે આયુષ્યનો ભરોસો નથી. માટે સમય વર્તે સાવધાન! તું સાવધ બની જા! જાગી જા અને આત્મસાધનામાં લાગી જા!
સંવત્સરીના દિવસે સૌથી મહત્વપૂર્ણ બે કર્તવ્યો અદા કરાય છે. એમાં એક છે- બારસા સૂત્રનું ગુરુ મુખે શ્રવણનું અને બીજું કર્તવ્ય છે- સર્વ જીવો સાથે હાર્દિક ક્ષમાપના કરવાપૂર્વક-પ્રતિક્રમણનું! બારસા સૂત્ર એટલે જ કલ્પસૂત્ર આગમ. ૪૫ આગમોમાં શિરમોર સ્થાન કલ્પસૂત્રને પ્રાપ્ત થયેલ છે.આના પ્રત્યેક અક્ષરોના શ્રવણથી આત્મા પર લાગેલ આઠે કર્મો અને તેનાંય મૂળરૂપ એવું મોહનીય કર્મ છુટે છે.
આ જ આગમના અંતિમ ભાગમાં ક્ષમાપના કરવાનો ઉપદેશ પરમાત્મા મહાવીર સ્વામીએ આપેલો છે, જેને ઝીલીને સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ એક વર્ષ દરમિયાન પરસ્પર થયેલા અવિનય-અપરાધ આદિ અનુચિત વ્યવહારોની અંત:કરણથી માફી માગી આત્માને ખૂબ હળવો બનાવે છે. ‘મને માફ કરી દો’ અને ‘હું તમને માફ કરું છું.’ એ બે વાક્યો શાયદ આ વિશ્વમાં અઘરામાં અઘરાં આચરણ-વાક્યો છે-એમ કહીએ તો એમાં અજુગતું કાંઇ જ નથી. પરંતુ એ દુષ્કરને જ સુકર બનાવવાનું કામ જૈનો આજના દિવસે કરે છે.
આ રીતે ક્ષમાપનાનું આદાન-પ્રદાન સાંજના સમયે થતાં સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે કરાય છે. આ રીતે બારેબાર મહિનાના દરેકેદરેક પ્રકારનાં પાપોની સાચા દિલથી માફી મંગાય છે. એકવાર જે પાપની માફી મંગાઇ તે પાપ ફરી ન સેવાય એનો સંકલ્પ કરી તે માટેની પળેપળની કાળજી લેવાની હોય છે.
પરસ્પર માફી માગવા-આપવાના આ વ્યવહારને ‘મિચ્છામિ દુક્કડં’ એવાં પ્રાકૃત ભાષાના વાક્ય દ્વારા કરવાનું જૈનોનું આચરણ આજે જૈનોના પરિચિત અજૈનોમાં પણ પ્રચલિત બન્યો છે. સંવત્સરીનાં નિમિત્તને પામી સહુ કોઇ એક વર્ષ જૂનાં પાપોને વિધિપૂર્વક વિસર્જિત કરી, ફરીથી પાપો ન થઇ જાય તેવો સંકલ્પ કરો તેવી શુભાભિલાષા.
શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ