બુધવાર, 17 ઑગસ્ટ, 2016

રક્ષાબંધન raxabandhan


 ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો
ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
 રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે.
ભાઇ બહેનને ભેટ આપે છે.

 રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.

આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.


આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.


આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ.  ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.

રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.

રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.

બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.

ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.

રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.

પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારીત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!

મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
 
 બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ


રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે.
ઈતિહાસ- એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં.
જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે.
આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો.
પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

પગાર પંચ : પહેલી ઓગસ્‍ટથી જ રાજ્‍ય સરકારના કર્મીઓને લાભ*





satma pagar panch vishe jano

Khel mahakumbh 2016





મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

પારસીઓનું પાવન પર્વ પતેતી




પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું.

અષો જરથુષ્ટ્રે આશરે ઇ.સ.પૂર્વે ૫૯૦માં જરથોસ્તી ધર્મની સ્થાપના કરી. જરથોસ્તી ધર્મ માનનારા અને તેના વંશજો પારસી તરીકે ઓળખાય છે. અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ.પૂર્વે ૬૦૦ની આસપાસ ઇરાનમાં આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો.

અષો જરથુષ્ટ્રમાં બાળપણથી જ કંઇક વિશિષ્ટ શક્તિ હતી જેના કારણે તે સમયના ઇરાનના ધર્મગુરુ મોજાઇ દુરાસરુએ તેમને શિશુ અવસ્થામાં મારી નાખવાની ઘણી કોશિશ કરી પરંતુ પ્રહ્લાદની જેમ તેમનો ચમત્કારી બચાવ થતો રહ્યો. તેમને થયું કે ઈશ્વર જ મારી રક્ષા કરતો રહ્યો તેથી તેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એક માત્ર ઘ્યેય અપનાવ્યો. તેના માટે તેઓ ખૂબ જ ચિંતન કરવા લાગ્યા છતાં પણ નિરાશા જ સાંપડી.

આ રીતે સમય પસાર થતો જતો હતો અને ધીરજ ખૂટતી જતી હતી, ત્યાં એક દિવસ આથમતા સૂરજે તેમને ઈશ્વરનાં દર્શન કરાવ્યા અને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વરે તેમને વરદાન માગવાનું કહેતાં તેઓએ પવિત્રતાનું વરદાન માગ્યું. ઈશ્વર તરફથી વરદાન મળતા તેઓ અષો (પવિત્ર) જરથુષ્ટ્ર કહેવાયા. અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી વિચારસરણીના હોવાથી તે વખતના રૂઢિચુસ્ત સમાજમાં પણ પત્નીની પસંદગી સ્વયં કરી હતી.

જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય કર્યું. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઇરાનમાં ધર્મની જયોત પ્રજવલિત રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ ઈશ્વરની ઇબાદત કરતા હતા ત્યારે તુરાની દુરાસરુન સૈનિકે પીઠ પાછળ ઘા કરતા તેઓ મૃત્યુને ભેટ્યા.

આ બાજુ ઇરાનમાં વિધર્મીઓના ત્રાસથી ધર્મનું રક્ષણ કરવા આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારતથી સારી રીતે પરિચિત હતા. સૌ પ્રથમ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે તેઓ ઊતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ વિતાવ્યાં. આ દરમિયાન પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા.

તે સમયે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. તેમણે જાદી રાણા પાસે રાજયાશ્રય માગતા રાણાએ તેઓને દૂધનો છલોછલ ભરેલો પ્યાલો આપ્યો, જે દ્વારા રાજા કહેવા માગતા હતા કે આમાં તમારો સમાવેશ કેમ થશે? તેઓએ તે પ્યાલામાં ધીરે-ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઇ. તે જ પ્યાલો રાણાને પરત આપતા ચતુર રાણા સમજી ગયો. દૂધ ઢોળાયું પણ નહીં સાકર તેમાં ભળીને દૂધ ગળ્યું બની ગયું. રાણાએ તેમને વસવાટની છૂટ આપી. આજે પણ પારસીઓ આ વચનને નિભાવીને દૂધમાં સાકરની જેમ ભળીને રહે છે.

હિંદુ ધર્મમાં જેમ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી તેવી જ રીતે પારસી કોમમાં પતેતી એટલે વર્ષનો છેલ્લો દિવસ. પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું. એ પછીના દિવસે નવું વર્ષ એટલે નવરોજ. આ દિવસે પારસીઓ એકબીજાને નૂતન વર્ષ નવરોજ મુબારક કહે છે.

નવરોજ નિમિત્તે પારસીઓ રંગબેરંગી વસ્ત્રો પહેરીને અગિયારી (આતશ-બહેરામ)માં જાય છે. ત્યાં સુખડનાં લાકડાં અર્પે છે. નવા વર્ષની મંગલકામનાઓ સાથે પ્રાર્થના કરે છે, એકબીજાને ભેટીને શુભેરછાઓ પાઠવે છે.

સંઘર્ષને બદલે સમાધાનમાં માનતા પારસીઓ આપણા સમાજના અંગરૂપ બની ગયા છે. પારકાને પોતાના બનાવવાની આવડત તેમનામાં રહેલી છે. પતેતી-નવરોજના પર્વ નિમિત્તે પારસી ભાઇઓને શુભકામના પાઠવીએ.