પાળિયાદ ના પીર વિસામણ બાપુ ॥ સૌરાષ્ટ્રની કર્મી ધર્મી ધરતી અને પડભૂમિ પાંચાળની ભોમકાનો છેડો ભાલપંથકનો હાથ મિલાવે છે ત્યાં પાળિયાદ જેવી પુનિત ધરતી પર મહાન સંત વિભૂતિ પૂજ્ય શ્રી વિસામણ બાપુના વખતથી ધરમની ધજા ફરકી રહી છે. બાપુની પુનિત પ્રેરણાથી આ પવિત્ર સ્થાને અતિથિને આશરો અને ભૂખ્યાને ટુકડો મળે છે. પૂ. વિસામણબાપુનો વખત એટલે અધર્મ, અસત્ય અને અંધશ્રધ્ધાના વાદળોથી ઘેરાયેલો વિકટ વખત આવી વિકટ વેળાએ પાળિયાદની ધરતી પાવન કરવા માટે સોનગઢથી આપો ગોરખો અને ચલાળેથી આપા દાના વિક્રમ સંવત ૧૮૬૩માં પાળિયાદ પધાર્યા. એ સમયે સમાજમાં જાગૃતિ અર્થે અને ઠાકર મહારાજે ગીતામાં આપેલા અભય વચન અનુસાર ધર્મમાં ગ્લાનિ પ્રવર્તે ત્યારે ધર્મનું સંસ્થાપન કરવા માટે કાઠી સંતો પદયાત્રા દ્વારા ધર્મ જાગૃતિની જ્યોત જલતી રાખતા હતા અને સમાજમાં સદાચારની સુવાસ પ્રસરાવતા હતા. બન્ને સંતોની ગામમાં પધરામણી થઈ છે. દરબાર શ્રી રામા ખાચરની ડેલીએ સંતોના બેસણા છે. સવારનો સમો છે... સંતોના આગમનની વાત ગામ આખામાં લાકડીયા તારની જેમ પ્રસરી ગઈ છે ને સંતની ચરણરજ લેવા ગામલોકો રામા ખાચરની ડેલીએ જવા નીકળી પડયા છે. એક તરફ લોકપ્રવાહ રામાખાચરની ડેલીએ ભણી આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ આજ ગામનો માથાભારે માનવી આપા વિસામણ પોતાની ઘોડી લઈને બજારમાંથી જઈ રહ્યા છે. એને સંતના દર્શન માટે નાળીયેર અને સાકરમાં કંકુપડા લઈને જઈ રહેલા લોકો સામા મળે છે. આપા વિસામણને કૌતુક થયુ અને એ પણ સંતના દર્શન કતરવા ગયા.. ગત જન્મના ઋણાનું બંધ અને આ જન્મે લખાયેલા લેખનો સુભગ સમન્વય થયો. આત્માએ આત્માને ઓળખી લીધો ને આપા દાનાની નજર સાથે નજર મળતા જ આપા વિહામણના નવ હજાર નવસોને નવ્વાણુ રૃંવાડામા થથરાટ થઈ રહ્યો. એક દિવ્ય અનુભૂતિ... એક દિવ્ય ઝણેણાટી એમના દેહમાંથી પસાર થઈ ગઈ. સંતોની અમીકૃપા ઉતરીને આપા વિસામણના આત્મરામમાં ભકિતની દિવ્ય જ્યોત પ્રગટી ઉઠી. અલખ અલખ અલખ...ના ગેબી અવાજો એના કાનમાં ને રૃદિયામાં પડઘા પાડવા માંડયા. આપા વિસામણે અવલિયા ઠાકરે જઈને સંતો સાથે ભજન કર્યુ. એક સમયના આ માથાભારે માનવીને ભકિતના રંગમાં ડૂબીને મસ્તાન જોઈને લોક સૌ ઠાકર મા'રાજનો લીલાને સંતોની કૃપાને વંદી રહ્યા. આપાને સંતકૃપા થઈ હતી ત્યાં ગેબી ભોંયરે જવાનું થયું ને ગેબીનાથના દર્શન થયા. ગેબીનાથના દર્શન સાથે જ પરભવનો આ યોગી આત્મા લે'રમાં આવી ગયો. હવે તો આપા વિસામણને અલખ આરાધવો હતો ને એ માટે મારગ ચીંધનારા મહાન સદગુરૃ પણ મળ્યા હતા એથી પાળીયાદ આવીને એણે અલખની આરાધ શરૃ કરી. પાળીયાદમાં નેજો ફરકવા લાગ્યો.. સત ધરમના બેસણા થયા ને પાળીયાદની જગ્યા આખાય પંથકમાં પૂજનીય જગ્યા બની ગઈ. સંતોને અભ્યાગતો માટે ચોખા ખાંડને ઘીના શીરામણ શરૃ થયાને આખાયે ભાલ પંથકમાં સંતની સેવા, સમરણને સત આરાધની સુવાસ પ્રસરી ગઈ. સત્, સદાચાર અને ધર્મની ત્રિવેણી સમી જાગૃત જયોતમાં આપા વિસામણની ભકિતના દિવ્ય દિવેલ પુરાયાને પાળીયાદની જગ્યા હારેલાને હૈયાધારણને ભુલેલાને મારગ દેવા માટે પંકાવા લાગી. આખો ભાલ પંથક સંતના શરણે આવ્યો. એક જમાનાનો આપો વિસામણ હવે સંત વિસામણ બાપુ બન્યા હતા ને એમની શીળી છાંયડી કેટલાયના તાપ હરવા લાગી હતી. લોકોકિત મુજબ પૂજયશ્રી વિસામણ બાપુ સાક્ષાત શ્રી રામદેવપીરનો અવતાર હતા. પાળીયાદની જગ્યાને પરગટ પરચાની જગ્યા તરીકે પૂજનીય બનાવનાર પૂજય વિસામણ બાપુ વિક્રમ સંવત ૧૮૮૬ના ભાદરવા સુદ એકાદશીએ અલખના મારગે મોક્ષધામ પામ્યા. પૂજય વિસામણ બાપુએ પોતાના ભાણેજ પૂ. લક્ષ્મણબાપુને ધરમનો નેજો સોંપીને પોતાના ઉત્તરાધિકારી નિમ્યા. ( દોહા ) પાળિયાદે રોપી પ્રથમ , તેં ધરમ ધજા રણધીર , એકલ નો બેલી બન્યો , તું પરગટ વિહળ પીર . દુઃખ દરદ દિલમાં વધે , ધારણા ન રહે ધીર , એને યાદ કરો તો આવશે , પરગટ વિહળ પીર . સગાં કુટુમ્બી સ્નેહી , જેદિ વેરી થઈ જાય વીર , તેદિ યાદ કરો તો આવશે , પરગટ વિહળ પીર . ( છંદઃ સારસી ) મેઘલી રાતું મોત સામે ગગન ઘન નોબત ગડે , ધસમસે સાગર લોઢ હડડડ નાવડું ઝોલે ચડે , તેદિ તુંહી ઠાકર તુંહી એ ઉદ્ગાર ઉરે ઉપડે , પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વા'રે ચડે . ઘેરી સમસ્ય હોય ઘટમાં વ્યાધિઓ આવી નડે , આધિ ઉપાધિ અંગેઅંગમાં વિપદ દળ વરસી પડે , તેદિ તુંહી ઠાકર તું એ ઉદ્ગાર ઉરે ઉપડે , પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વા'રે ચડે . આજેય પૂરે છે અનેક પરચા જ્યાં સત્ય જ્યોતું ઝળહળે , ભાવે અમાસે કોઈ આવે એને વિઘન ના વળગી પડે , આશરો તારો એક ઠાકર એવાં દિલ થી આંશુ દડે , પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વા'રે ચડે . જી વિહળો વા'રે ચડે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો