સને ૧૯૩૦ના માર્ચની ૧૧મીની રાત્રે જ લોકો વાળુ-પાણી કરીને આશ્રમમાં આવી ગયાં હતાં. ગાંધીજીને ક્યારે પકડી જાય તેનો કંઈ ભરોસો નહીં. ચાંદની રાતમાં લોકો રસ્તા પર ધુળમાં બેઠાં હતાં. બાળકો અને બહેનો પણ ટોળામાં હતાં. મધરાત થઈ તો પણ લોકો ખસતાં નથી. સવારના ત્રણ વાગ્યા. ઠંડીનો ચમકારો થયો. લોકોએ તાપણાં સળગાવ્યાં. ચાર વાગે બધાં પ્રાર્થના માટે તૈયાર થઈને બેઠાં. ગાંધીજીની પડખે બે મુત્સદ્દી બેઠા હતા- પ્રભાશંકર પટ્ટણી અને અબ્બાસ તૈયબજી. લોકો માતા નથી. પંડીત ખરેએ ગીત ઉપાડ્યું :
શુર સંગ્રામ કો દેખ ભાગે નહીં
દેખ ભાગે સોઈ શુર નહીં
પ્રાર્થના પછી લોકો આઘાપાછા થયા. સૈનીકો તૈયારીમાં પડ્યા. લોકોને, નેતાઓને, છાપાવાળાઓને, કેમેરાવાળાઓને એમ કે હમણાં પકડશે…હમણાં ચિ … પણ મહા બળીયા સાથે બાથ ભીડનાર સેનાપતીને એવી કોઈ ચીંતા જ નથી! એ તો પોતાના ખંડમાં જઈને પાછા ઘસઘસાટ ઉંઘી ગયા!
૧૯૩૦ની ૧૨મી માર્ચનું મંગળ પ્રભાત. બરાબર ૬-૦૦નો ટાઈમ થયો. પંડીતજીએ પ્રસંગને અનુરુપ પ્રીતમજીનું ભજન ગાયું :
હરીનો મારગ છે શુરાનો
નહીં કાયરનું કામ જોને
સત્યાગ્રહીઓ બબ્બેની હારમાં ગોઠવાઈ ગયા. તેમને ખબર હતી કે આ આખરી ફેંસલો છે. કેસરીયાં કરવાનાં છે. આશ્રમ ફરી જોવા મળે ન મળે! કુટુંબીઓએ છુપાવેલાં અશ્રુ સાથે, પણ હસતે મોઢે, ચાંલ્લા કરી વીદાય આપી. આવજો… ગાંધીજીને કસ્તુરબાએ કુમકુમનો ચાંલ્લો કર્યો, સુતરની આંટી પહેરાવી, હાથમાં લાકડી આપી. પછી નમસ્કાર કર્યા. બરાબર ૬ ને ૨૦ મીનીટે પોતાની ટુકડી સાથે આશ્રમની બહાર પગ મુક્યો.
પ્રાર્થના સભામાં જ તેમના મુખમાંથી ભાવી ભાખતા ઉદ્ગારો નીકળ્યા હતા : “મારો જન્મ બ્રીટીશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે.” પછી સંકલ્પ જાહેર કર્યો હતો: “હું કાગડા-કુતરાને મોતે મરીશ, રખડી-રઝળીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વીના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.”
અદ્ભૂત હતો એ પ્રસંગ!
દુર્લભ હતું એ દર્શન!
હીન્દુસ્તાનના ઈતીહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એ દીવસ! સમગ્ર વીશ્વની નજર એ યુગપુરુષ ગાંધી તરફ મંડાયેલી હતી. હરદ્વાર એ હીન્દુ સંસ્કૃતીના જીવન અને મરણને સાંકળી લેતું આધ્યાત્મીક સંગમસ્થાન છે. ગંગામાં સ્નાન કરનાર પાપમુક્ત થઈ પુણ્યના પગથીયાનું આરોહણ કરે છે. દાંડીને હરદ્વારની ઉપમા આપી ગાંધીજી બોલી ઉઠ્યા હતા: “દાંડી તો મારું હરદ્વાર છે.” દાંડી માટે એવો ભાવ એમના મનમાં હતો. એ દાંડીમાં સ્વરાજ્યની ઈમારતનો પાયો ચણાવાનો હતો. એ દાંડી હીન્દની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર Gate way of Freedom બનવાનું હતું.
૧૯૩૦ની છઠ્ઠી એપ્રીલનો એ દીવસ હતો. બ્રીટીશ સરકાર આંખો પહોળી કરી મલકાય રહી હતી. સવારે ૬ વાગે ગાંધીજીએ લંગોટીભેર સમુદ્રસ્નાન કરી, ૬-૩૦ વાગે વાસી શેઠના બંગલા પાસે સુરક્ષીત રાખેલા ખાડામાંથી ચપટી નમક ઉપાડી કાયદાનો ભંગ કર્યો. હજારો લોકોના ગગનભેદી નાદ ગાજી ઉઠ્યા: “નમક કા કાનુન તોડ દીયા.” મીઠાની ચપટી ભરી એ યજ્ઞપુરુષે અગમવાણી ઉચ્ચારી: “બ્રીટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં આથી હું લુણો લગાડું છું.” આ શબ્દો બોલતી વખતે ગાંધીજીનો આત્મા કેટલી ઉત્કૃષ્ટ કક્ષાએ હશે તેની તો કલ્પના જ કરવી રહી. પછી એ વીશ્વવંદ્ય વીભુતીએ વીદેશી પત્રકારોને લખીને આપ્યું : “I want world sympathy in this battle of right against might.” “સત્તાબળ સામે ન્યાયની આ લડતમાં હું વીશ્વની સહાનુભુતી ઈચ્છું છું.” છઠ્ઠી એપ્રીલની એ ભવીષ્યવાણી ૧૭ વરસ પછી ૧૯૪૭ના ઑગષ્ટની ૧૫મી તારીખે સાચી પડી.
સરકારી માણસોએ તો કુદરતી રીતે પાકેલું મીઠું માટીમાં ભેળવી દીધું હતું. પણ સુલતાનપુરના છીબુભાઈ કેશવભાઈએ અગમચેતી વાપરી એક ખાડામાં થોડું મીઠું હતું ત્યાં કાંટીયાં નાખી દીધાં હતાં. એ રીતે છીબુભાઈએ આપેલો ફાળો અનન્ય છે. કાંઠા વીભાગની પ્રજા એ ભુલી શકે નહીં. તે પછી ગાંધીજી આટ, ઓંજલ, સુલતાનપુર પણ ગયા હતા. આટની ખાંજણમાંથી મીઠું ઉપાડ્યું હતું. પોલીસે આચાર્ય મણીભાઈ અને મનુભાઈ ડૉક્ટર (સ્વામીજી)ની ધરપકડ કરી હતી. દાંડીમાં પીવાના પાણીની અગવડ હતી. બીજાં ગામોમાંથી બળદગાડાં મારફતે પાણી લવાતું હતું. ટપાલની વ્યવસ્થા પણ ન હતી. અવરજવરની તકલીફ પડતી. એટલે ગાંધીજીએ ૧૬મીએ દાંડી છોડ્યું, અને કરાડીની ઝુંપડીમાં પોતાનો નીવાસ રાખ્યો. ૧૬મી એપ્રીલથી ૪થી મે સુધી ગાંધીજી કરાડીની ઝુંપડીમાં રહ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો