સોમવાર, 7 માર્ચ, 2016

આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8March


લિલિસાના ઉર્સુની એક કવિતાનો સર કંઈક નીચે પ્રમાણે હતો…..


   છોકરી જન્મે અને રડે…

  બહાર રમવા જાય, પ્રતિબંધ મુકાય અને રડે…

  જુવાન થાય, પ્રેમમાં પડે અને રડે…

  લગ્ન થાય, શણગાર સજે, પતિને સાચવે અને રડે…

  નોકરી કરે, બાળકો ઉછેરે, કુટુંબ સંભાળે અને રડે…


૧૯૪૯ માં આ કવિતા રચાઈ ત્યારે અને આજે પરિસ્થિતિમાં ઝાઝો તફાવત જોવા મળતો નથી. સ્ત્રીનું રડવું જાણે કે એક નિયતિ ન હોય !


૮ મી માર્ચ એટલે ‘ વુમન્સ ડે ‘. આ દિવસને આપણે ‘ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ‘ તરીકે ઉજવીએ છીએ. ૧૯૭૫ માં યુનો દ્વારા આની વિધિવત જાહેરાત કરાઈ. એક રીતે પશ્ચિમમાં જાગેલા ‘ સ્ત્રી સ્વાતંત્ર્ય ‘ના આંદોલનને અપાયેલી આ એક અંજલી છે. ઘરઆંગણે સ્ત્રી પર થતા અત્યાચારો, અન્યાય સામેની ઝુંબેશ છે. એ રીતે સ્ત્રી જાગૃતિ-જન જાગૃતિ માટેનો વ્યાપક પ્રયાસ છે, તો સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ-આત્મસન્માન જગાડવાનો પણ દિવસ છે.


વેદ-ઉપનિષદકાળમાં નજર નાખીએ તો સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. પણ પછી કાળક્રમે સ્ત્રી ચાર દીવાલોમાં કેદ થતી જાય છે. ‘ પતિ એ જ પરમેશ્વર ‘ અને પડદાપ્રથાના પિંજરમાં અસહાય દેખાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે નર્મદે પણ લખ્યું છે : ‘ભાઈનું ધ્યાન તો ભૂગોળ-ખગોળમાં રમે અને નારી ચૂલા માંહ્ય !’


એક તરફ ધાર્મિક સાહિત્ય -સ્થાપત્ય અને સંસ્કૃતિમાં સ્ત્રીઓને આદર્શ સ્થાન આપવામાં આવ્યું છે તો બીજી તરફ સ્ત્રીને ‘નરકની ખાણ’ પણ ગણવામાં આવી છે. સ્ત્રી મજબૂર બની પોતાના અસ્તિત્વની શોધ માટે. ‘ડોલ્સ હાઉસ’ અને ‘સાત પગલા આકાશમાં’ ની નાયિકાઓ પોતાના લોહીથી સિંચેલા ભર્યાભાદર્યા ઘરને – બાળકો અને પતિને છોડી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ શોધવા નીકળે છે. ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા ના કોચલામાંથી બહાર આવતી આધુનિક નારીના અહી દર્શન થાય છે. નારી ચેતનામાં પડેલા કૌવતને કારણે ગુલામીની પરિસ્થિતિમાં પણ એમણે પોતાના વ્યક્તિત્વની સુગંધ ફેલાવવાનો પ્રયત્ન કર્યો.


સ્ત્રી પુરુષમાં પ્રાકૃતિક તફાવત સિવાય તો બીજો કોઈ ભેદ નથી, છતાં સ્ત્રી અન્યાય, અત્યાચાર અને અસમાનતાનો ભોગ સતત બનતી આવી છે. સ્ત્રી પ્રત્યેનો અન્યાય સમાજના બંધારણમાં વણાયેલો જોવા મળે છે. છોકરીઓને ગુલાબી ઢીંગલી અને છોકરાઓને ક્રિકેટનું બેટ રમવા આપી પહેલેથી જ બંનેના કાર્યક્ષેત્રની લક્ષ્મણરેખા દોરી દેવામાં આવે છે. ઉછેરથી શરુ થયેલો અન્યાયનો સિલસિલો છેક મૃત્યુ સુધી લંબાય છે. અરે ! જન્મ-મૃત્યુ ને છોડી દો, એની પણ પાર અન્યાયનો પરિઘ વિસ્તરતો જણાય છે. હવે તો સ્ત્રીનો જન્મવાનો અધિકાર પણ છીનવી લઇ ઉદરમાં જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. સોનોગ્રાફીની શોધ સ્ત્રીભ્રૂણ હત્યામાં નિમિત્ત બની છે. માનવ ઇતિહાસની આ સૌથી કલંક કથા છે.


આપણા સમાજ સુધારકો અને યુગપુરુષો ને એ વાતનો અણસાર હતો  કે નારી ચેતનામાં કંઇક એવું સત્વ પડ્યું છે જેનો સ્પર્શ સમાજને નહિ મળે તો એટલી અધુરપ રહી જવાની. એટલે એમણે સ્ત્રીઓને થતા દરેક પ્રકારના અન્યાયનો પ્રખર વિરોધ નોંધાવ્યો હતો. સ્ત્રીઓએ પણ પોતાના પિતા, ભાઈ કે પતિની આંગળી પકડીને ચાલવાનું નથી પણ દામ્પત્ય જીવનથી માંડી દરેક ક્ષેત્રમાં તેણે પોતાના અસ્તિત્વને સ્થાપિત કરવાનું છે. સમાજે પણ જરૂરી નિર્ણયોમાં તેણે ભાગીદાર બનાવવાની છે. પત્યેક ક્ષેત્રના નીતિ નિર્ધારમાં સ્ત્રીઓને સ્થાન આપવાનું છે. સ્ત્રીએ પણ આત્મ અને આર્થિક નિર્ભર બનવું પડશે, તેમાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.


મહિલાદિન ઉજવવા માત્રથી પરિસ્થિતિમાં જાજો ફેર પડે તેમ નથી. કન્યાના જન્મ-ઉછેરથી જ માતા-પિતાએ તકેદારી રાખવી પડશે. શિક્ષકોએ જાગૃત રહેવું પડશે. ધર્મગુરુઓ, સમાજસુધારકો, અને કેળવણીકારોએ પણ આ બાબતમાં ધ્યાન આપવું પડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો