8મી ડીસેમ્બર 1971ની રાત હતી. ભારત અને પાકીસ્તાન વચ્ચેનું યુધ્ધ ચાલી રહ્યુ હતું. પાકીસ્તાન બોમ્બરોએ ભુજમાં આવેલા ઇન્ડીયન એર ફોર્સના બેસ કેમ્પના રનવેને સતત બોમ્બમારો કરીને તોડી નાંખ્યો. રનવે તુટી જવાથી વળતા હુમલા કરવા શક્ય જ નહોતા. કોઇપણ સંજોગોમાં તાત્કાલીક આ રનવે રીપેર થાય તે અનિવાર્ય હતું.
રનવેને જે મોટાપાયા પર નુકસાન થયુ હતું તેને સરખુ કરવા માટે મોટી સંખ્યામાં માણસોની જરૂર હતી. માધાપર ગામની મહીલાઓને આ વાતની ખબર પડી. ગામની 300 મહીલાઓ ભેગી થઇ અને રનવે રીપેર કરવાનું કામ ઉપાડ્યુ. એક બોમ્બ માથે પડે તો બધાના રામ રમી જાય એવી સ્થિતીમાં પણ મોતનો વિચાર કર્યા વગર આ વીરાંગનાઓ રનવે રીપેર કરવા માટે પહોંચી ગઇ.
16 વર્ષની ઉંમરની ધનુ નામની એક યુવતી તો હજુ હમણા જ પરણેલી હતી. એનો પતિ કેન્યા ગયો હતો. ધનુએ એની સાસુને વિનંતી કરીએ એમને રનવે રીપેર કરવા માટે જવા દેવામાં આવે. સાસુએ કહ્યુ,'બેટા, તું હજુ હમણા જ પરણી છો એટલે તને જવા દઉ અને કંઇ થાય તો હું તારા પતિને શું મોઢું બતાવું ? તને એકલીને નહી જવા દઉ હું પણ તારી સાથે જ આવું છું આમ કહીને સાસુ પણ વહુની સાથે રનવે રીપેરની કામગીરીમાં લાગી ગઇ.
માત્ર સુખડી અને મરચા ખાઇને આ 300 વિરાંગનાઓએ 72 કલાકમાં ઇન્ડીય એરફોર્સનો રનવે રીપેર કરી આપ્યો. 1971ના યુધ્ધમાં ભારતનો વિજય થયો એમાં માધાપરની આ બહેનોનો પણ બહુ મોટો ફાળો હતો. યુધ્ધ પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરાગાંધી જ્યારે ભૂજની મુલાકાતે આવ્યા ત્યારે આ બધી બહેનોને મળ્યા. એ વખતે ઇન્દીરાજી બોલેલા કે " આજે ભારત પાસે એક નહી 300 રાણી લક્ષ્મીબાઇ છે."
ભારત સરકારે આ બહેનોની દેશભક્તિથી રાજી થઇને તે સમયે 50,000નું ઇનામ આપ્યુ. આ બહેનોએ પ્રથમ તો એમ કહીને રકમ સ્વિકારવાનો ઇનકાર કર્યો કે અમે તો માત્ર અમારી ફરજો જ બજાવી છે પરંતું રકમ સ્વિકારવા માટે બહુ વિનંતી કરી ત્યારે રકમ સ્વિકારીને માધાપર ગ્રામપંચાયતને આપી દીધી કે જેથી એ રકમમાંથી ગ્રામ પંચાયત કોમ્યુનીટી હોલ બનાવી શકે.
માધાપર આજે અબજોપતિઓનું ગામ ગણાય છે કદાચ ભગવાને આ વીરાંગનાઓની દેશભક્તિ જોઇને સમ્રુધ્ધિના આશીર્વાદ આપ્યા હશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો