અખાત્રીજ એટલે વણજોયાં મુહૂતની તિથિ. અક્ષય તૃતિયાના નામે ઓળખાતી આ તિથિમાં અગાઉ મૃતકોના નામે બ્રાહ્મણને પાણીથી ભરેલા માટલા,દક્ષિણા આપવાનો રિવાજ હતો. ઉપરાંત પિતૃઓનું તલ દ્રારા તર્પણ કરવાની પ્રથા હતી. ખેડુત પોતાના કૃષિ કાર્ય આરંભ કરવાનો આ દિવસ છે. આ એવી ત્રીજ છે જે અખંડ છે અને તેથી જ જોડલાં અખંડ રહે તેવી શુભેચ્છામાં અખાત્રીજનાં લગ્નની પરંપરા કદાચ શરૂ થઈ હશે.
અક્ષય એટલે જેનો નાશ ન હોય તેવું. તેથી અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવાય છે કેમ કે આ દિવસે આરંભાયેલા કાર્યોનો કદી નાશ થતો નથી.લગ્ન સંબંધ પણ અખંડ રહે, નાશ ન પામે તેથી સમૂહ લગ્ન થતાં હશે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે તમામ શુભ કાર્યોનો વગર પૂછયે આરંભ કરી શકાય છે, તેમાં કોઈપણ વ્યવસાય, પ્રતિષ્ઠાન, લગ્ન જેવા શુભ કાર્યો કરવાથી આ કાર્યો સદૈવ અમર બની જાય છે એવી માન્યતા છે.
અખાત્રીજનો દિવસ એટલે ભગવાન પરશુરામની જન્મતિથિ. સ્વામી ઋષભદેવે આ દિવસે પોતાના ઉપવાસના પારણાં કર્યા હતા. તો અખાત્રીજના જ વેદ વ્યાસે ભગવાન ગણેશજી પાસેથી મહાભારત લખાવવાનો પ્રારંભ કર્યો હતો. અક્ષય તૃતિયા એટેલ સતયુગનો પહેલો દિવસ પણ ગણાય છે. આ દિવસે ઝુલા હિંચકા ખાવા એ પ્રવૃતિને પણ ધાર્મિકતા સાથે જોડવામાં આવી છે.
અખાત્રીજના હિન્દુ પુરાણ ગ્રંથો મુજબ ત્રેતાયુગનો આરંભ થયો હતો અને દેવી અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે જ થયો હોવાનું માનવામાં આવે છે.પુરાણો મુજબ કુબેરને અખાત્રીજના ખજાનો મળ્યો હતો અને માતા લક્ષ્મી સાથે તેમને એ ખજાનાની જવાબદારી સોંપાઈ હતી. એટલું નહીં યુધિષ્ઠિરને આ તહેવારના દિવસે જ અક્ષયપાત્ર અપાયું હતું, જેના થકી તેણે રાજયમાં ભુખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું.
અખાત્રીજનુંદ અન્ય મહત્વ ભગવાન કૃષ્ણ અને તેના મિત્ર સુદામાની કથા સાથે વણયેલું છે. પોતાનું દરિદ્ર મિટાવવા પત્નીના કહેવાથી કૃષ્ણ પાસે આવેલા સુદામા દોસ્તીમાં કંઈ માગી શકયા નહીં. પણ આ અખાત્રીજના જ કૃષ્ણએ તેની મનની વાત પામી જઈ દરિદ્ર દૂર કર્યુ હતું. આ દિવસ મહાભારતની કથામાં દુ:શાસનના ચીરહરણ સાથે પણ સંકળાયેલો છે. અક્ષય તૃતિયાના જ આદિ શંકરાચાર્ય કનકધારા સ્તોત્રની રચના કરી હતી.
ગોવા અને કેરાલામાં અખાત્રીજ પરશુરામ જયંતી તરીકે ઉજવાય છે તો ઓરિસ્સામાં ખેડુતો જમીનની વાવણી આરંભે છે. ગંગા કિનારે ભગવાન વાસુદેવની પૂજાનું પણ મહત્વ છે. બંગાળમાં હલકતા તરીકે ઉજવાય છે અને ગણેશજી તેમજ લક્ષ્મીદેવીની પૂજા-આરતી કરાય છે. તો જાટ પરિવારો માટે આ દિવસ સુંદર્શન કુબેર યંત્રની પૂજાનો છે અને આપણે ત્યાં વૈભવ લક્ષ્મીની પૂજાનું મહત્વ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો