સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે.
ભાદ્રપદ મહિનાની ઊજળી ચોથે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સંવત્સરી મહાપર્વ આરાધે છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. એ દિવસ ફાઇનલ મેચ જેવો ગણાય છે. એની પૂર્વતૈયારી-નેટપ્રેક્ટિસ જેવા શરૂના સાત દિવસો ગણાય છે.
વિશ્વના ધર્મોમાં પોતાના અહિંસા, સંયમ, તપ, વિશિષ્ટ કોટિના સિદ્ધાંતો અને એના આચરણના વ્યવહારુ સ્વરૂપ દ્વારા જૈન ધર્મ આગવું સ્થાન ધરાવે છે. આજની સમગ્ર દુનિયામાં માંડ એક કરોડ જેટલીય જનસંખ્યા નહીં ધરાવતા જૈનધર્મીઓ પણ પર્વો અને મહાપર્વો ઊજવતા હોય છે. પર્યુષણ મહાપર્વ પણ એમાંનું જ એક મહાપર્વ છે. પર્યુષણ મહાપર્વ ભારતીય પરંપરાના ભાદ્રપદ મહિનામાં આવતું હોય છે.
જૈન સાધુ, સાધ્વીજી વરસાદના ચારે ચાર મહિના એક જ સ્થાને અવસ્થાન (નિવાસ) કરીને રહે છે. એ વરસાદના દિવસોમાં સવિશેષ જીવોત્પત્તિ અને જીવનાશ થવાની સંભાવના હોવાથી સ્વયં ગ્રહણ કરેલા સૂક્ષ્મ અહિંસા મહાવ્રતના પાલનને ધક્કો ન પહોંચે એવા આશયથી તેઓ અન્યત્ર ગમનાગમન નથી કરતા. એમના આ રીતના એક સ્થાને કરાતા અવસ્થાનને જ સામાન્યજનો ચાતુમૉસ અગર તો વર્ષાવાસ તરીકે સંબોધે છે, જ્યારે જૈન આગમાદિ ધર્મગ્રંથો એને જ ‘પર્યુષણા’ના નામે સંબોધિત કરે છે.
ભાદ્રપદ મહિનાની ઊજળી ચોથે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સંવત્સરી મહાપર્વ આરાધે છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. એ દિવસ ફાઇનલ મેચ જેવો ગણાય છે. એની પૂર્વતૈયારી-નેટપ્રેક્ટિસ જેવા શરૂના સાત દિવસો ગણાય છે.
આમ કુલ આઠ દિવસ સુધી વિવિધ પ્રકારનાં તપ, જપ, જ્ઞાન, ધ્યાન, પ્રવચન-શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, દેવ-ગુરુ અને સંઘભક્તિ, ધાર્મિક ક્ષેત્રોની પુષ્ટિ, તે તે ધાર્મિક-ખાતાઓમાં વિપુલ દાન, બ્રહ્નચર્યનું શુદ્ધ પાલન, એક દિવસથી લઇ મહિના માસના કે તેથીય ઉપરના નિરંકારી તપનું આસેવન, ભક્તિભાવના....આવા વિવિધ અનુષ્ઠાનોથી આ મહાપર્વ આરાધાય છે.
સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે. આ દિવસ આવે તે સાધકને રેડલાઇટ બતાવે છે કે આયુષ્યનો ભરોસો નથી. માટે સમય વર્તે સાવધાન! તું સાવધ બની જા! જાગી જા અને આત્મસાધનામાં લાગી જા!
સંવત્સરીના દિવસે સૌથી મહત્વપૂર્ણ બે કર્તવ્યો અદા કરાય છે. એમાં એક છે- બારસા સૂત્રનું ગુરુ મુખે શ્રવણનું અને બીજું કર્તવ્ય છે- સર્વ જીવો સાથે હાર્દિક ક્ષમાપના કરવાપૂર્વક-પ્રતિક્રમણનું! બારસા સૂત્ર એટલે જ કલ્પસૂત્ર આગમ. ૪૫ આગમોમાં શિરમોર સ્થાન કલ્પસૂત્રને પ્રાપ્ત થયેલ છે.આના પ્રત્યેક અક્ષરોના શ્રવણથી આત્મા પર લાગેલ આઠે કર્મો અને તેનાંય મૂળરૂપ એવું મોહનીય કર્મ છુટે છે.
આ જ આગમના અંતિમ ભાગમાં ક્ષમાપના કરવાનો ઉપદેશ પરમાત્મા મહાવીર સ્વામીએ આપેલો છે, જેને ઝીલીને સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ એક વર્ષ દરમિયાન પરસ્પર થયેલા અવિનય-અપરાધ આદિ અનુચિત વ્યવહારોની અંત:કરણથી માફી માગી આત્માને ખૂબ હળવો બનાવે છે. ‘મને માફ કરી દો’ અને ‘હું તમને માફ કરું છું.’ એ બે વાક્યો શાયદ આ વિશ્વમાં અઘરામાં અઘરાં આચરણ-વાક્યો છે-એમ કહીએ તો એમાં અજુગતું કાંઇ જ નથી. પરંતુ એ દુષ્કરને જ સુકર બનાવવાનું કામ જૈનો આજના દિવસે કરે છે.
આ રીતે ક્ષમાપનાનું આદાન-પ્રદાન સાંજના સમયે થતાં સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે કરાય છે. આ રીતે બારેબાર મહિનાના દરેકેદરેક પ્રકારનાં પાપોની સાચા દિલથી માફી મંગાય છે. એકવાર જે પાપની માફી મંગાઇ તે પાપ ફરી ન સેવાય એનો સંકલ્પ કરી તે માટેની પળેપળની કાળજી લેવાની હોય છે.
પરસ્પર માફી માગવા-આપવાના આ વ્યવહારને ‘મિચ્છામિ દુક્કડં’ એવાં પ્રાકૃત ભાષાના વાક્ય દ્વારા કરવાનું જૈનોનું આચરણ આજે જૈનોના પરિચિત અજૈનોમાં પણ પ્રચલિત બન્યો છે. સંવત્સરીનાં નિમિત્તને પામી સહુ કોઇ એક વર્ષ જૂનાં પાપોને વિધિપૂર્વક વિસર્જિત કરી, ફરીથી પાપો ન થઇ જાય તેવો સંકલ્પ કરો તેવી શુભાભિલાષા.
શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો