પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષક સમુદાયને જે સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે તે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 – 9 – 1888 ના રોજ મદ્રાસના તિરૂતુનિ નગરમાં થયો હતો. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો. એક સારા વ્યાખ્યાકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. આથી ઈંગ્લેંડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતા. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતા, તેમણે ‘ઇન્ડિયન ફિલોસોફી’, ‘પ્રિન્સિપલ ઉપનિષદ’, ‘ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન’, ‘હિંદુ વ્યુ ઓફ લાઈફ’ જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. ત્યારબાદ તો રશિયા ખાતે ભારતના એલચી તરીકે ફરજ બજાવતા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. ‘ભારત રત્ન’ નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું ‘ટેમ્પલટન પારિતોષિક’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા.
ડો. રાધાકૃષ્ણન માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઈએ. તેમાં ફક્ત બૌદ્ધિક તાલીમ જ નહિ, હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઈએ. સત્ય વિચાર અને પ્રેમાળ જીવન એ શિક્ષણનો માનવીય અંશ છે. તેમના મતે માનવ નિર્માણકારી શિક્ષણમાં સંસ્કૃતિની ભૂમિકા ઘણી મહત્વની છે. અને સંસ્કૃતિ એટલે મનુષ્યમાં રહેલા પશુને વશમાં કરતા જવાની પ્રાગતિક પ્રક્રિયા. તેમના જીવનનું ઉદ્દેશ્ય આ પંક્તિમાં ચરિતાર્થ થતું દેખાય છે :
” વાવવાં છે બીજ મારે બાળકોના દિલ મહી
વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !
જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર
શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી ! “
આપણે જાણીએ છીએ કે તેમનો જન્મદિવસ ઈ.સ. 1964 થી ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવાય છે. તેમના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણસંસ્થામાં થાય છે. શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડો. રાધાકૃષ્ણનના જીવનકર્મનું કેન્દ્રબિંદુ છે. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી ‘ભારતના પ્લેટો’ કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી ૧૫થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા.
૧૯૬૨માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી. ૧૯૬૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. ૧૯૭૫ની સોળમી એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા_” Our Slogan should not be Power at any Price : but Service at any Cost .” અર્થાત ” કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા.” આ સંદેશ ભારતના વર્તમાન રાજકારણીઓને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને ‘આચાર્ય દેવો ભવ’ કહીને નમ્ર અંજલી અર્પીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો