શનિવાર, 3 સપ્ટેમ્બર, 2016

શિક્ષક દિન – ૫ મી સપ્ટેમ્બર


” જગ છે એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરીક્ષણ,

ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું, જેનો છું શિક્ષક.”

૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’. તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશો.

આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી.

” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.

જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”

‘ Good teachers Think before they act, Think while they act, Think after they act.’

(સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)

દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે.

“આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, મન ની સુષુપ્ત શક્તિઓ જાગે, જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવી ને તેને પોતાના પગ પર ઉભો કરી શકે.”

– સ્વામી વિવેકાનંદ



શિક્ષકદિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને ‘ શ્રેષ્ઠ શિક્ષક ‘ નો એવોર્ડ આપવામાં આવે છે . તેમજ દરેક શાળા અને સરકારી કાર્યાલયોમાં શિક્ષકો માટેનો ફાળો ઉઘરાવવામાં આવે છે. જેનાથી જરૂરિયાતમંદ શિક્ષકની સહાય કરવામાં આવે છે.

આ દિવસે દરેક શાળાઓમાં ‘સ્વયં શિક્ષકદિન’ ની ઊજવણી કરવામાં આવે છે . જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે . તેમજ શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે. આમ સંસ્કૃતિના સંસ્કાર આપતા શિક્ષકનું ગરવુ પર્વ એટલે ‘શિક્ષક દિન’. આવા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ જોઇને કહી શકાય_

” નથી થયા સપના સાકાર, લઇ રહ્યા છે હજી આકાર,

જોઈ લો આ બુંદને, અહી જ લેશે સમુદ્ર આકાર.”

વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા એ ખૂબ જ મહત્વનું કાર્ય છે, કારણ કે તેની એક એક પળ વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકના હાથમાં રહેલું છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીના ઉમદા ભવિષ્યનો પ્રણેતા બની શકે છે. તેના જીવનનું ધ્યેય અને ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે.

” અહી વર્ગખંડોમાં હું જે શૈક્ષણિક કાર્ય કારી રહી છું તે

નોબેલ પારિતોષિકથી લેશમાત્ર ઓછા મહત્વનું નથી.”

_ટોની મોરિસન



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો