લંબાઈ આશરે 14થી 16 સેન્ટિમિટર. કદ નાનું. રંગ ભૂરો. નિસ્તેજ વ્યક્તિત્વ અને ઘડીયે નવરા ન પડવું એ ચકલીનો સ્વભાવ રહ્યો છે. આપણને થાય કે આખો દિવસ ચીં ચીં કરતી ચકલી હવે કેમ દેખાતી નથી. ચકી હવે ચોખાનો દાણો લાવતી નથી. ચકો હવે મગનો દાણો લાવતો નથી. અને એટલે જ ખીચડી પણ રંધાતી નથી. વિશ્વ ચકલી દિન નિમિત્તે આવો ચકલીને સંભારીએ.
ઘરચકલીથી હવે સવાર પડતી નથી. ચકલીથી હવે સાંજ પડતી નથી કે ચકલી હવે ઘરની સભ્ય રહી નથી. એક સમય હતો જ્યારે ઘરચકલી આપણું એક સ્વજન થઈને રહેતી હતી. પૂછો કે ચકલીનો માળો ક્યાં? ઘરના નેવે ચૂં ચૂં કરતી ચકલી હવે ~યાં? બાળપણમાં દાદા-દાદીના મોઢે સાંભળેલી વાર્તાઓ જ હવે ચકલીનું અસ્તિત્વ રહ્યું છે. જોકે હવે તો એ વાર્તાઓ પણ ક્યાં સાંભળવા મળે છે.
એક સમય હતો જ્યારે ઘરનું આખું આંગણું ચકલીઓની ચૂં ચીથી ભરાઈ જતું. ચકલીઓ આપણને સમયનું ભાન કરાવતી હતી. સવારે ચકલીઓના અવાજ અને ચણભણાટથી પડતી. તો સાંજ પડતાં ગામના ચોરે ઊભેલો ખખડધજ વડલો ચકલીઓની રાહ જોતો. પણ હવે એ દિવસો નથી રહ્યા. હવે એ આનંદ નથી રહ્યો. હવે એ ચકલીઓનો વૈભવ નથી રહ્યો. આજે ચકલીઓ નામશેષ થવાને આરે છે. કહો કે હવે આપણે ત્યાં ગણીગાંઠી જ ચકલીઓ રહી છે. આથી ચકલીઓના અસ્તિત્વને બચાવવા માટે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. જેમાં એએસએ, ફ્રાન્સ, યુ.કે. તથા ભારતના પક્ષીપ્રેમીઓ સહભાગી બન્યા છે. આપણને થાય કે જો આમને આમ ચાલ્યું તો ઘરને શોભાવતી ચકલી લુપ્ત થઈ જશે. તો શું કરી શકાય આ નાનકડી મનગમતી ચકલી માટે?
બાળકોને ચકલીનો પરિચય કરાવીએ
અગાસી, બાલ્કનીમાં પાણીનું કુંડું રાખીએ
કુંડામાં બાજરી, ચોખાની કણી, રોટલીના ટુકડા રાખીએ
ઘરઆંગણે દેશી ફળો અને ફળાઉ વૃક્ષો વાવીએ
ખેતર-બગીચા ફરતે કુદરતી વાડ કરીએ
ચકલીને ઉપયોગી ફૂલ-છોડ વાવીએ
ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પંખી અને સૌથી વધુ જોવા મળતાં પંખીનો ખિતાબ ધરાવે છે. ચકલીઓને આપણી સાથે એટલું ગોઠી ગયું છે કે માનવવસ્તીથી દૂર રહેવું-જીવવું તેના માટે શય જ નથી. આ નાનકડા પંખીએ વિશ્વના નકશા પરના લગભગ બધા દેશોમાં વસવાટ કર્યો છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, તથા અમેરિકા. આમ પૃથ્વીના મોટા ભાગનાં ખંડોને ચકીબેને પોતાનું ઘર બનાવ્યું છે.
ચકલીઓના વિનાશ માટેનાં કારણો તો ઘણાં છે પણ આ બધાં કારણો પાછળ જવાબદાર કોઈ હોય તો તે છે મનુષ્ય ! હદ બહારનાં વાયુપ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, મોબાઈલ ટાવરોનાં સૂક્ષ્મતરંગો, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતરો તથા દેશી વૃક્ષો-ફૂલ-છોડની જગ્યાએ શોભાના ગાંઠીયા જેવાં નકામાં વૃક્ષોનું મોટા પાયે થતું વાવેતર નાનકડી ચકલી માટે જોખમરૂપ બન્યાં છે. આપણાં ઘર, ખેતર, વંડા, બગીચા ફરતે મોટા ભાગે મેંદી, થોર, બોરડી, બાવળ જેવા છોડ અને વેલાઓની બનેલી કુદરતી વાડ ચકલી માટે આશીર્વાદ રૂપ હતી. કુદરતી વાડમાંથી ચકલીને કીટકો, ઈયળો, પતંગીયાં, ફળો જેવા ખોરાકનો પુરતો જથ્થો મળી રહેતો હતો. આજે આપણે ઈંટો અને પથ્થરનાં પાકાં મકાનોમાં જીવી રહ્યા છીએ. જ્યારે ઝાડી-ઝાંખરાં અને માળો શોધતી ચકલી મરવા પડી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો