ભારતના વિકાસમાં સ્ત્રીઓ અને પુરુષો પૈકી કોનું યોગદાન વિશેષ છે એ વિષય પર એક ગહન ચર્ચા ચાલી રહી હતી. દેશને વિકસીત કરવામાં પુરુષોનો જ સિંહફાળો છે એ બાબતમાં જુદી જુદી વ્યક્તિઓ પુરાવાઓ સાથે પોતાની વાત રજુ કરી રહ્યા હતા.
એકભાઇએ કહ્યુ, " આમ તો આ ચર્ચાનો વિષય જ નથી. તમે તમામ ક્ષેત્રમાં નજર કરો તો સ્પષ્ટપણે દેખાશે કે દેશના વિકાસમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષોનું યોગદાન સવિશેષ છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડો.કલામ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર.....આ યાદી તો બહુ લાંબી ચાલે એમ છે. પુરુષોની આ યાદીની સરખામણીમાં સ્ત્રીઓની યાદી તૈયાર કરવામાં આવે તો થોડા પાનામાં યાદી પુરી થઇ જાય માટે આ ચર્ચાને એકબાજુ મુકો. પુરુષોએ જ આ દેશના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યુ છે એ સુર્ય જેવુ સત્ય છે."
એક નાની દિકરી ખુણામાં બેઠી બેઠી આ ચર્ચા સાંભળી રહી હતી. આ દિકરી ઉભી થઇ અને ત્યાં હાજર બધા લોકોને સંબોધીને કહ્યુ, " હું ક્યારની તમારા બધાની વાતો સાંભળી રહી છું. આપના તરફથી જે વાતો થાય છે એની સાથે હું 100% સહમત છું પણ મને એક પ્રશ્ન થાય છે જો આપની પરવાનગી હોય તો પુછી શકુ ? "
બધાએ એકી અવાજે કહ્યુ, " હા બેટા, તારે જે પુછવુ હોય તે પુછ." છોકરીએ કહ્યુ, " પેલા અંકલ જુદા જુદા મહાપુરુષોના નામ આપીને દેશના વિકાસમાં એને આપેલા યોગદાનની વાત કરતા હતા. મારે તો એટલુ જ જાણવું છે કે આ બધા જ મહાપુરુષોની માતા જ્યારે સ્ત્રીભૃણ રુપે એમની માતાના ગર્ભમાં હતી એ વખતે આ બધી જ માતાઓને ગર્ભમાં પતાવી દેવામાં આવી હોત તો પછી તમે જે મહાપુરુષોની વાત કરી એ મહાપુરુષો પૃથ્વી પર કેવી રીતે આવત ?"
દિકરીનો પ્રશ્ન સાંભળીને બધાની બોલતી બંધ થઇ ગઇ.
મિત્રો, આ જગતની તમામ મહાન પ્રતિભાઓ સ્ત્રીના માધ્યમથી જ આ જગતમાં અવતરે છે. જ્યારે આપણે સ્ત્રીના ગર્ભમાં રહેલ સ્ત્રીભૃણની હત્યા કરીએ છીએ ત્યારે આપણે માત્ર સ્ત્રીના ભૃણની જ નહી પરંતું એના દ્વારા આ જગતમાં અવતરનાર તમામ મહાન પ્રતિભાઓની પણ હત્યા કરવાનું મહાપાપ કરીએ છીએ.
બેટી બચાવીએ, મહાપુરુષોને બચાવીએ, દેશ બચાવીએ.
આભાર :શૈલેષ સગપરીયા સર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો