ઈસાઈ ધર્મગ્રંથો અનુસાર જે દિવસે ઈસા મસીહને શૂળી પર ચઢાવવામાં આવ્યા તથા તેમણે પ્રાણ ત્યાગ્યા એ દિવસ શુક્રવાર હતો. તેની જ યાદમાં ગૂડ ફ્રાઇડે મનાવવામાં આવે છે. પોતાના મૃત્યુના ત્રણ દિવસ પછી ઈસા મસીહ પુનઃ જીવિત થયા હતા અને તે દિવસ રવિવાર હતો જેને ઈસ્ટર સન્ડે કહે છે.
ગૂડ ફ્રાઇડેને હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે. ઈસાઈ લોકો માટે ગૂડ ફ્રાઇડેનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ઈસા મસીહે ક્રોસ પર પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. તેઓ નિર્દોષ હતા છતાં પણ તેમને દંડસ્વરૃપ ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. તેમણે સજા આપનારાઓ પર દોષારોપણ કે ક્રોધ ન કરતાં કહ્યું, "હે ઈશ્વર! તેમને ક્ષમા કર, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યાં છે."
ઈસુ ફરી-ફરીને લોકોને માનવતા અને શાંતિનો સંદેશ આપતા હતા. તેમણે ધર્મના નામે અંધવિશ્વાસ ફેલાવનારા લોકોને માનવ જાતિના શત્રુ બતાવ્યા. તેમના સંદેશાઓથી હેરાન-પરેશાન થઈને ધર્મપંડિતોએ તેમના ધર્મની અવમાનનાનો આરોપ લગાવીને તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. તેમને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો, કારણ કે ઈસા મસીહ અન્યાય અને ઘોર વિલાસિતા તથા અજ્ઞાાનના અંધકારને દૂર કરવા માટે લોકોને શિક્ષા-સંદેશાઓ આપી રહ્યા હતા.
તે સમયે કટ્ટરપંથી ધર્મગુરુઓએ ઈસુનો ખૂબ વિરોધ કર્યો. તેમને ઈસામાં મસીહા જેવું કંઈ વિશેષ લાગતું નહોતું. તેમને તો પોતાના કર્મકાંડો સાથે જ પ્રેમ હતો. સ્વયંને ઈશ્વરપુત્ર જણાવવા એ બાબત તેમના માટે મોટું પાપ હતું, તેથી આ ધર્મગુરુઓએ તે સમયના રોમન ગવર્નર પિલાતુસને ઈસુની ફરિયાદ કરી. આ ધર્મગુરુઓને પ્રસન્ન કરવા માટે પિલાતુસે ઈસુને ક્રોસ પર મૃત્યુદંડનો ક્રૂર દંડ આપ્યો.
સજા દરમિયાન તેમને ઘણી યાતનાઓ આપવામાં આવી. ઈસુના માથા પર કાંટાળો તાજ મૂકવામાં આવ્યો. પછી ઈસુના ખભા પર ક્રોસ રાખીને તેમને ગોલ ગોથા નામની જગ્યાએ લઈ ગયા, જ્યાં તેમને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા. ઈસુએ મોટા અવાજે પરમેશ્વરને પોકાર કરતાં કહ્યું, "હે પિતા! હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું." આટલું કહ્યા પછી તેમણે પ્રાણ ત્યાગી દીધા.
ગૂડ ફ્રાઇડેના દિવસે ઈસાઈ ધર્મના અનુયાયી ચર્ચમા જઈને પ્રભુ ઈસુને યાદ કરે છે. શ્રદ્ધાળુઓ પ્રભુ ઈસુ દ્વારા ત્રણ કલાક સુધી ક્રોસ પર ભોગવવામાં આવેલી પીડાને યાદ કરે છે. રાત્રિના સમયે ક્યાંક ક્યાંક કાળાં વસ્ત્ર પહેરીને શ્રદ્ધાળુઓ ઈસુની છબિ લઈને શોક મનાવતાં મનાવતાં પદયાત્રા કાઢે છે.
ગૂડ ફ્રાઇડે પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થનાનો દિવસ છે, તેથી આ દિવસે ચર્ચમાં ઘંટ વગાડવામાં આવતો નથી, પરંતુ તેને બદલે લાકડાને ખટખટાવવાનો અવાજ કરવામાં આવે છે. લોકો ઈસા મસીહના પ્રતીક એવા ક્રોસના ચિહ્નને ચુંબન કરીને ઈસુને યાદ કરે છે.
અનેક લોકો ચાલીસ દિવસ સુધી સંયમ અને વ્રતનું પાલન કરે છે. આ અવધિને બોલચાલની ભાષામાં ચાલીસા કહે છે, જે વર્ષમાં એક વાર આવે છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિકરણ માટે પ્રયત્ન કરે છે. તે તેમના આંતરિક અને બાહ્ય પરિવર્તનનો માર્ગ પ્રશસ્ત કરે છે.
ગૂડ ફ્રાઇડે એક એવો દિવસ છે જ્યારે ઈસા મસીહે ધરતી પર વધી રહેલાં પાપ દૂર કરવા અને પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિઃસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. તેમણે વિરોધ અને યાતનાઓ સહન કરીને પોતાના પ્રાણ આપ્યા. તેમની જ આરાધના અને વચનોના માધ્યમથી મનુષ્યતાની રાહ પર ચાલવાનું જ્ઞાાન આપનારો દિવસ છે ગૂડ ફ્રાઇડે.
ઈસ્ટર સન્ડે
ઈસા મસીહને શૂળી (ક્રોસ) પર લટકાવવામાં આવેલા દિવસ (ગૂડ ફ્રાઇડે)થી બરાબર ત્રીજા દિવસે તેઓ પુનર્જીવિત થઈ ગયા હતા. આ દિવસ રવિવાર હતો તેથી તેને ઈસ્ટર સન્ડે અને ઈસ્ટર દિવસ કહેવામાં આવે છે. ઈસા મસીહના પુનર્જીવિત થવાની ઘટનાની યાદમાં દુનિયાભરમાં ઈસ્ટર સન્ડે મનાવવામાં આવે છે. તેમને ક્રોસ પર ચઢાવ્યાના ત્રીજા દિવસે તેઓ પોતાની કબરમાંથી જીવિત થયા હતા. જીવિત થયા પછી ભગવાન ઈસુએ પોતાના શિષ્યોની સાથે ૪૦ દિવસ સુધી રહીને હજારો લોકોને દર્શન આપ્યાં. પ્રભુ ઈસુ માત્ર કોઈ એક જાતિ કે ધર્મની સ્થાપના માટે નહીં, પરંતુ પ્રેમ અને સત્યનો ફેલાવો કરવા માટે આવ્યા હતા. ઈસ્ટર એેટલે ઈસુનું મૃત્યુમાંથી સજીવન થવું તે. ઈસ્ટર સન્ડે આનંદદાયક ઘટના હતી, તેથી તે દિવસે ઈસુના નવજીવનની ધૂમધામથી ખુશી મનાવવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો