મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

પારસીઓનું પાવન પર્વ પતેતી




પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું.

અષો જરથુષ્ટ્રે આશરે ઇ.સ.પૂર્વે ૫૯૦માં જરથોસ્તી ધર્મની સ્થાપના કરી. જરથોસ્તી ધર્મ માનનારા અને તેના વંશજો પારસી તરીકે ઓળખાય છે. અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ.પૂર્વે ૬૦૦ની આસપાસ ઇરાનમાં આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો.

અષો જરથુષ્ટ્રમાં બાળપણથી જ કંઇક વિશિષ્ટ શક્તિ હતી જેના કારણે તે સમયના ઇરાનના ધર્મગુરુ મોજાઇ દુરાસરુએ તેમને શિશુ અવસ્થામાં મારી નાખવાની ઘણી કોશિશ કરી પરંતુ પ્રહ્લાદની જેમ તેમનો ચમત્કારી બચાવ થતો રહ્યો. તેમને થયું કે ઈશ્વર જ મારી રક્ષા કરતો રહ્યો તેથી તેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એક માત્ર ઘ્યેય અપનાવ્યો. તેના માટે તેઓ ખૂબ જ ચિંતન કરવા લાગ્યા છતાં પણ નિરાશા જ સાંપડી.

આ રીતે સમય પસાર થતો જતો હતો અને ધીરજ ખૂટતી જતી હતી, ત્યાં એક દિવસ આથમતા સૂરજે તેમને ઈશ્વરનાં દર્શન કરાવ્યા અને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વરે તેમને વરદાન માગવાનું કહેતાં તેઓએ પવિત્રતાનું વરદાન માગ્યું. ઈશ્વર તરફથી વરદાન મળતા તેઓ અષો (પવિત્ર) જરથુષ્ટ્ર કહેવાયા. અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી વિચારસરણીના હોવાથી તે વખતના રૂઢિચુસ્ત સમાજમાં પણ પત્નીની પસંદગી સ્વયં કરી હતી.

જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય કર્યું. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઇરાનમાં ધર્મની જયોત પ્રજવલિત રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ ઈશ્વરની ઇબાદત કરતા હતા ત્યારે તુરાની દુરાસરુન સૈનિકે પીઠ પાછળ ઘા કરતા તેઓ મૃત્યુને ભેટ્યા.

આ બાજુ ઇરાનમાં વિધર્મીઓના ત્રાસથી ધર્મનું રક્ષણ કરવા આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારતથી સારી રીતે પરિચિત હતા. સૌ પ્રથમ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે તેઓ ઊતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ વિતાવ્યાં. આ દરમિયાન પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા.

તે સમયે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. તેમણે જાદી રાણા પાસે રાજયાશ્રય માગતા રાણાએ તેઓને દૂધનો છલોછલ ભરેલો પ્યાલો આપ્યો, જે દ્વારા રાજા કહેવા માગતા હતા કે આમાં તમારો સમાવેશ કેમ થશે? તેઓએ તે પ્યાલામાં ધીરે-ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઇ. તે જ પ્યાલો રાણાને પરત આપતા ચતુર રાણા સમજી ગયો. દૂધ ઢોળાયું પણ નહીં સાકર તેમાં ભળીને દૂધ ગળ્યું બની ગયું. રાણાએ તેમને વસવાટની છૂટ આપી. આજે પણ પારસીઓ આ વચનને નિભાવીને દૂધમાં સાકરની જેમ ભળીને રહે છે.

હિંદુ ધર્મમાં જેમ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી તેવી જ રીતે પારસી કોમમાં પતેતી એટલે વર્ષનો છેલ્લો દિવસ. પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું. એ પછીના દિવસે નવું વર્ષ એટલે નવરોજ. આ દિવસે પારસીઓ એકબીજાને નૂતન વર્ષ નવરોજ મુબારક કહે છે.

નવરોજ નિમિત્તે પારસીઓ રંગબેરંગી વસ્ત્રો પહેરીને અગિયારી (આતશ-બહેરામ)માં જાય છે. ત્યાં સુખડનાં લાકડાં અર્પે છે. નવા વર્ષની મંગલકામનાઓ સાથે પ્રાર્થના કરે છે, એકબીજાને ભેટીને શુભેરછાઓ પાઠવે છે.

સંઘર્ષને બદલે સમાધાનમાં માનતા પારસીઓ આપણા સમાજના અંગરૂપ બની ગયા છે. પારકાને પોતાના બનાવવાની આવડત તેમનામાં રહેલી છે. પતેતી-નવરોજના પર્વ નિમિત્તે પારસી ભાઇઓને શુભકામના પાઠવીએ.

2 ટિપ્પણીઓ: