શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ કહે છે. રાંધણ છઠના દિવસે બધું રાંધી લીધા પછી બહેનો સગડી ઇત્યાદી રસોઇનાં સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા- સાતમને દિવસે ઠંડુ જમે છે.
ગુજરાતનાં ધર્મપરાયણ લોકજીવનમાં શીતળામાતાની પૂજા ઘણી પ્રાચીન છે. શીતળાએ હિન્દુઓની લોકમાતા ગણાય છે. ધાર્મિક દ્રષ્ટિએ અને પુરાતત્ત્વની દ્રષ્ટિએ શીતળાદેવીની મૂર્તિ સૌથી વધુ અગત્યની ગણાય છે. જેમ વહાણવટી માતાનું વાહન વહાણ, વાઘેશ્વરીનું વાઘ અને ઊંમિયા માતાનું વાહન ઊંટ હોય છે તેમ શીતળામાતાનું વાહન ગધેડું છે. હાથમાં સાવરણી કળશ અને માથે સૂંપડું હોય છે. બંગાળના લોકો કમળ પર બેઠેલી લાલ વસ્ત્ર પહેરેલી અને બાળકને ધવરાવતી શીતળામાતાની મૂર્તિને પૂજે છે.
શીતળાની પ્રાચીન લોકપૂજાનો અને એના વિશેની માન્યતાઓનો ૯૦૦ વર્ષ પુરાણો પુરાવો મોઢેરાના સૂર્યમંદિરમાંથી મળી આવે છે. ૧૧મા સૈકામાં બંધાયેલા મોઢેરાના સૂર્યમંદિરમાં શીતળામાતાનું સ્વરૃપ કોતરેલું છે. તેમાં એક નગ્ન સ્ત્રી માથા ઉપર સૂપડું રાખી ગધેડા પર બેઠેલી છે. શીતળામાતાની મૂર્તિ નગ્ન રાખવાનું કારણ એવું છે કે શીતળાના રોગીથી વસ્ત્ર પહેરી શકાતાં નથી. વળી, ગધેડીના દૂધથી વરાઘ જેવા બાળકોનાં રોગો મટે છે તેથી તેના વાહન તરીકે ગધેડાની કલ્પના કરવામાં આવી છે.
શીતળામાતા બાળકને રોગથી બચાવનારી અને સ્ત્રીઓેને અખંડ સૌભાગ્ય આપનારી ગણાતી હોવાને લીધે સ્ત્રીઓ તેની વિશેષ પૂજા કરે છે. શીતળાનો અર્થ ઠંડક પણ થતો હોવાથી શીતળા સાતમને શીળી સાતમ પણ કહે છે. તે દિવસે ગામડાની સ્ત્રીઓ ચુલા ઠારી, લીંપણ કરી અંદર સાથિયો બનાવી કપાસના છોડનો આંબો રોપે છે અને ચોખાથી પૂજા કરી સંતાનોના ક્ષેમકુશળ ઈચ્છે છે.
શીતળામાતાનું વ્રત કરીને તે દિવસે ઘરને ખૂણે ધોયેલો પાટલો મૂકી તેના પર માટીના સાત લાડવા મૂકી વચ્ચે ઘડો મૂકે છે. ઘડા પર નાળિયેર મૂકી બે કાળી આંખો ચીતરી શીતળામાતા તૈયાર કરવામાં આવે છે. પછી ગામની સ્ત્રીઓ પીપળાના ઝાડના થડમાં સ્થાપના કરેલ માતાજીની મૂર્તિની પૂજા કરે છે અને ટાઢું ખાવા જાય છે.
પ્રાચીન સમયમાં શ્રાવણ વદી સાતમે શીતળા સપ્તમી વ્રત કરવામાં આવતું. બાજઠ પર આઠ પાંખડીવાળું કમળ આલેખી તેના પર કળશ મૂકી સોેનાના શીતળાદેવીની સ્થાપના કરી. ૐ શીતલાય્ નમ: મંત્ર બોલીને શીતળાની પ્રીતિ અર્થે બ્રાહ્મણોને દહી અને ફળનું દાન અપાતું.
ધાંગઘ્રાના ફુલકુ નદી કિનારે શીતળામાતાનું મંદિર છે. જ્યાં શીતળામાતા અને બળિયા કાકાની જોડાજોડ જોવા મળે છે. શીતળા સાતમે અહીં મોટો મેળો ભરાય છે.
આ ઉત્સવ સાધન પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે સાધનો જડ હોવા છતાં પણ આપણા ઉપયોગમાં આવ્યાં છે તેથી આપણી તેમના માટે કૃતજ્ઞા બુદ્ધિ રહેવી જોઇએ. તાત્વિક દ્રષ્ટિએ જોતાં જગતમાં કશું જડ છે જ નહીં. એ રીતે આપણા કામમાં સહાયક બનનાર નિમિત્તરૃપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે પૂજા કરવી જોઇએ.
શીતળા-સાતમને દિવસે સ્ત્રીઓ સગડીની પૂજા કરે છે. ચૂલો એ તો ઘરનો દેવતા છે. કૃતજ્ઞાતાના પાયા પર ઊભેલી ભારતીય સંસ્કૃતિ આ ગૃહ દેવતાના ઉપકારને કેમ ભૂલી શકે? પોતે તપીને જે રોજ આહાર પકવી આપે છે તે ચૂલાનું પૂજન કરીને સ્ત્રીઓ પોતાની કૃતજ્ઞાતા પ્રદર્શિત કરે છે. એટલું જ નહીં પણ સતત સંતપ્ત રહેતા એ ચૂલામાં તે દિવસે આંબાનો નાનો રોપ પણ મૂકવામાં આવે છે. એની પાછળ, આમ્રવૃક્ષની શીતળતા સતત તેને મળતી રહે તેમજ આંબાનાં ફળ જેવી મીઠાશ તે રસોઇમાં ભરતો રહે એવી ભાવના છુપાયેલી છે.
ભારતીય સંસ્કૃતિ કાર્ય સાધતી વખતે કે કાર્ય સિધ્ધ થયા પછી સાધનોની ઉપેક્ષા કરવામાં માનતી નથી. એટલું જ નહીં પણ જે સાધનો કાર્ય-સાધક બન્યાં કે બની શકે તેને માટે તે હંમેશા ગૌરવ રાખવાનું સૂચવે છે. સ્ત્રી સગડી કે ઘંટીની પૂજા કરે છે, ખેડૂત પોતાના હળની પૂજા કરે છે, વેપારી ત્રાજવાને પવિત્ર માને છે, તેમજ પંડિત પોતાના પુસ્તકનું પૂજન કરે છે. પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર માની જે ભારતીય સંસ્કૃતિએ તેનું પૂજન કર્યું છે તે ભારતીય સંસ્કૃતિ 'પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માને' એવો ઉદ્ઘોષ કરે એ યથાર્થ જ છે.
કલમ હો કે તલવાર, હળ હો કે ત્રાજવું, સગડી હો કે ઝાડુ, પ્રત્યેક વસ્તુને પવિત્ર માનવામાં જ તેનું પૂજન પૂરું થતું નથી. દરેક વસ્તુની પવિત્રતા ટકાવી રાખવામાં, તે વસ્તુને ઉત્કૃષ્ટ રાખવામાં જ તેના પૂજનની પૂર્ણાહુતિ થાય છે. જેમ મળેલું કર્મ ઉત્કૃષ્ટ રીતે કરવું એ કર્મનું પૂજન છે તેમ મળેલી વસ્તુ ઉત્કૃષ્ટ રીતે રાખવી તે વસ્તુનું પૂજન છે. આપણાં વસ્ત્રોને આપણે સ્વચ્છ અને પવિત્ર રાખીએ એ આપણાં વસ્ત્રોની પૂજા છે. આપણાં પુસ્તકોને પૂઠું ચડાવી નવાં જેવાં રાખીએ એ પુસ્તકોનું પૂજન છે.
'પુસ્તકની આપણને એક પ્રાર્થના છે કે મને તેલથી પાણીથી, અને શિથિલ બંધનથી બચાવો, તેમજ ભૂલેચૂકે પણ કદી મને મૂર્ખના હાથમાં ન સોંપો.' ઘણા લોકોને ખુલ્લુ પુસ્તક ઊંધુ મૂકી રાખવાની ટેવ હોય છે. જે પુસ્તકની બાંધણીને નુકસાન કરે છે. ઘણા લોકોને નિશાની રાખવા ખાતર પાનાના ખૂણાઓ મરડીને રાખવાની ટેવ હોય છે. ઘણા લોકોને જીભ પર આંગળી રાખી પાના પલટવાની આદત હોય છે. આવી બધી કુટેવોથી બચવું અને પુસ્તકને સુઘડ રીતે સાચવવું અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવું એ પુસ્તકની પૂજા છે.
દાંતને સાફ અને સફેદ રાખવા, શરીરને સ્નાનાદિથી સ્વચ્છ રાખવું, વાળ ઓળેલા રાખવા વગેરે તેમની પૂજા જ છે. વાર-તહેવારે પોતાના વાહનને હાર પહેરાવનાર માણસ પણ તેની પૂજા જ કરે છે. તે જ રીતે સોંપેલું કામ સારામાં સારી રીતે કરવું એ શ્રમની પૂજા છે. ઉત્કૃષ્ટ અભ્યાસ કરવો, માતા-પિતાની આજ્ઞાાનું પાલન કરવું, ગુરુની સેવા કરવી ઇત્યાદી સૌ આપણી કર્મપૂજા છે.
સાધન પૂજા અને કર્મપૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં જે સમજી લે છે તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે, તે જ જીવનમાં શીતળતા અનુભવી શકે છે. શીતળા- માતા સેવાની દેવી છે. સેવા કરનાર જેટલી અંતરની શાંતિ મેળવી શકે છે એટલી બીજું કોઇ નથી મેળવી શકતું.
સૂપડું અને સાવરણી જેવાં સેવાનાં ક્ષુદ્ર સાધનોને તેમની ઉપયોગીતા જોઇ તેમણે પોતાની પાસે રાખ્યાં છે. તેમની પૂજા કરવાથી બાળકોને રોગો થતા નથી. સૂપડાથી સાફ કરેલું શુદ્ધ અનાજ ખાવામાં આવે અને રહેવાનાં સ્થાનો સાવરણાથી સાફ કરી સ્વચ્છ અને સુઘઢ રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ ઘટી જાય એવો આ ઉત્સવનો સંદેશ છે.
-જયના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો