શુક્રવાર, 1 એપ્રિલ, 2016

સત્સંગ ની અસર



એકભાઇ નિયમિત રીતે સત્સંગમાં જતા. રોજ 30 મિનિટ સત્સંગ માટે કાઢે. સત્સંગમાં થતી જુદી-જુદી વાતો એકાગ્ર ચિતે સાંભળે. એમના મિત્રને આ પસંદ નહોતું. મિત્ર એવુ માનતો હતો કે આ બધુ સમયની બરબાદી છે. ઘણીવખત એ આ બાબતે પોતાની નારાજગી પણ દર્શાવતો.

એકદિવસ બંને મિત્રો ફરવા માટે નીકળ્યા. રસ્તામાં આ સત્સંગની વાત નીકળી. જે મિત્રને આ બધુ બકવાસ લાગતુ હતું એમણે પોતાના મિત્રને પુછ્યુ, " જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તું છેલ્લા 10 વર્ષથી નિયમિત સત્સંગ સભાઓમાં જાય છે અને 3000થી વધુ સત્સંગ સભાઓ ભરી છે. આ બધી સત્સંગ સભાઓમાં જે વાતો થતી તેમાંથી તને કેટલી યાદ છે ? " મિત્રએ તો તુંરત જવાબ આપ્યો, " મને એમાનું કંઇ જ યાદ નથી." જવાબ સાંભળીને પ્રશ્ન પુછનાર મિત્ર ખુબ હસ્યો અને કહ્યુ , " તને કંઇ જ યાદ નથી તો પછી આ સત્સંગમાં જઇને તે કર્યુ શું? "

સત્સંગી મિત્રએ પોતાના મિત્રને કહ્યુ, " ભાઇ હું તને તારા પ્રશ્નનો જવાબ આપુ એ પહેલા મને  એક પ્રશ્નનો જવાબ આપ જેથી તેના આધારે હું તને જવાબ આપી શકુ." મિત્રએ સંમતિ આપતા જ પ્રશ્ન પુછ્યો , " તારા લગ્નને કેટલો સમય થયો ? " પેલાએ કહ્યુ, " મારા લગ્નને પણ 10 વર્ષ જ થયા છે." સત્સંગી મિત્રએ વાતને આગળ વધારતા કહ્યુ , " હવે મને એ કહે કે આ 10 વર્ષમાં ભાભીએ તને ભાત-ભાતની અને જાત-જાતની રસોઇ કરીને જમાડી છે એ પૈકી કેટલી યાદ છે ? " પેલાએ જવાબ આપ્યો , " તું પણ ગાંડા જેવો છે એલા રસોઇ થોડી યાદ રહે એ તો ખાઇએ એટલે શરિરને પોષણ મળે. શારિરિક તંદુરસ્તી માટે જમવાનું હોય એ યાદ રહે કે ન રહે તેનાથી શું ફેર પડે?"

સત્સંગી મિત્રએ કહ્યુ , " દોસ્ત તારા લગ્ન પછી ભાભીએ બનાવેલી રસોઇ અને તારા લગ્ન પહેલા તારી મમ્મીએ બનાવેલી રસોઇથી જેમ તારા શરિરને પોષણ મળે  છે તેમ સત્સંગમાં થતી વાતો મારા મનને પોષણ આપે છે અને એ વિચારોથી મારુ મન મજબુત બને છે. વાતો યાદ રહી કે ન રહી તે મહત્વનું નથી."

મિત્રો, શરિરની તંદુરસ્તિ માટે નિયમિત ખોરાક લેવો જરૂરી છે તેવી જ રીતે માનસિક તંદુરસ્તિ માટે નિયમિત સારી વ્યક્તિ કે વિચારોનો સંગ પણ જરૂરી છે. આપણને ભલે એ વિચારો યાદ ન રહે પણ એ વિચારો મનને કેળવવાનું કામ ચોક્કસ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો